રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 155 તાલુકામાં વરસાદ, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ પાંચ ઈંચ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Aug 2020 07:04 PM (IST)
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 155 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 155 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કચ્છના અંજારમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ સાથે કુલ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. મોરબીમાં પણ છેલ્લા 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ સાથે કુલ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારથી જ રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. ન્યારી ડેમ-1 નીચે આવતી લોધીકા તાલુકાના વાગુડદની વાગુદડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાજકોટ જિલ્લાના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22 તારીખે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 83 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.