ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 86 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં અંજારમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે બારડોલી અને ગાંધીધામમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. પાછોતરા વરસાદથી પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે.

છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના માણસા,હિમંતનગર, પ્રાંતિજ, તલોદ, અરવલ્લી ધનસુરામાં, ખેડના માતરમાં અને તાપીના ઉચ્છલમાં અડધો અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.પાછોતરા વરસાદથી પાકોને નુકશાનની શકયતા વધતા ખેડૂતોમાં ચિંતા વધી છે.



શનિવારે મોડી રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન કચ્છના અંજારમાં પોણા બે ઇંચ વરસાદ, મહિસાગરના વીરપુરમાં એક ઇંચ , ખેડામાં પોણો ઇંચ, આણંદ પેટલાદમાં અડધો ઇંચ અને અમદાવાદ બાવળામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.



આગામી 2 દિવસ વરસાદની આગાહી

રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વ મધ્ય અને તેને સંલગ્ન ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. પાછોતરા વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

આજે ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ- જૂનાગઢ-પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, કચ્છ, આણંદ, દાહોદ, અમદાવાદ, ખેડા, વડોદરા,નવસારી, સુરત, ભરૂચમાં મધ્યમથી તો દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે સોમવારે ભાવનગર-અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા-પોરબંદર- રાજકોટ- બોટાદ-કચ્છ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદ પડે તેવી સંભાવના છે.