મહેસાણા: મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  મહેસાણા જિલ્લાના  તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.  સવારના 6થી 10 વાગ્યા સુધીમાં અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  મહેસાણા  જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  


મહેસાણામાં અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વિસનગર અને વડનગર એક-એક ઇંચ વરસાદ વરસ્યો છે.  વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.  કડી, બહુચરાજી અને જોટાણામાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.  અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે.  સવારના ચાર કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  




મહેસાણા  શહેરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.  ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.  ગોપીનાળા અને ભમ્મરીયા નાળામાં પણ પાણી ભરાયા છે.  વહેલી સવારથી વરસાદના પગલે વાહનચાલકો પાણી ભરાતા  મુશ્કેલીમાં મુકાયા છે.  


રાજ્યમાં ભારે વરસાદની આગાહી


મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમ  ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.  હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે   (Meteorological Department) આગાહી કરી છે.  


સૌરાષ્ટ્રના 6  મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.   16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની  આગાહી મુજબ  મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.   દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.


હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.   ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.  દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નર્મદાના છુટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   તાપી, ડાંગ,નવસારી, અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.