Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલમાં હવામાન મુખ્યત્વે વાદળછાયું અને હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ધટ્યું છે. આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, ભરૂચમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે હળવા ઝાપટા વરસી શકે છે. આગામી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. 

Continues below advertisement

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સક્રિય બનેલું ચોમાસું હવે ધીમે-ધીમે નબળું પડતું જોવા મળી રહ્યું છે. ભારત હવામાન વિભાગ (IMD)ના તાજેતરના બુલેટિન મુજબ 16 સપ્ટેમ્બરથી ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે કોઈ મોટી હવામાન ચેતવણી દર્શાવવામાં આવી નથી. જોકે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે.

Continues below advertisement

છેલ્લા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં પણ ભારે વરસાદને કારણે કેટલીક સોસાયટી જળમગ્ન બની હતી. 

સુરત માટે IMDની સ્થાનિક આગાહી પ્રમાણે 16 સપ્ટેમ્બરે સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જ્યારે 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસાની વિદાયની પ્રક્રિયા પણ નજીક આવી રહી છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં 19 સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બનવાની શક્યતા છે. જોકે તેનો અર્થ ગુજરાતમાંથી તરત જ વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે એવો નથી.આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક હવામાન પરિસ્થિતિને કારણે છૂટોછવાયો વરસાદ વરસી  શકે છે. 

આ પણ વાંચો: ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ

ક્યાં કેટલો વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10  ટકા વરસાદ વરસવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 85 ટકા (30.20 ઈંચ) વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 12૦.6૦ ઈંચ અને ટકાવારીની દ્રષ્ટિએ નડિયાદમાં 174.52  ટકા વરસાદ વરસ્યો  છે; જોકે હજુ પણ 16 તાલુકામાં 10  ઈંચથી ઓછો અને 42  તાલુકામાં 50  થી 95 ટકા સુધીની વરસાદી ઘટ નોંધાઈ છે, જેમાં દ્વારકા (1૦.54%), પોરબંદર (24.76%) અને જામનગર (39.27%) જિલ્લાની સાથે કચ્છ ઝોનમાં પણ 50 ટકા જેટલી મોટી ઘટ જોવા મળી રહી છે.