અમરેલી : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, જાફરાબાદ તાલુકામાં વરસાદની શરુઆત થઈ છે.
જાફરાબાદના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદના વડલી, વઢેરા, ચિત્રાસર, ભાડા ગામમાં વરસાદ વરસ્યો છે. ટીંબી ગામની સ્થાનિક નદી બે કાંઠે થઈ છે. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા ગામમાં પણ વરસાદ વરસ્યો છે.
રાજુલાના દેવકા, બાલાપર, મસુનદડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. ખાંભાના ડેડાણ, ભુંડણી, ત્રાકુડા સહિતના ગામમાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભાના નાના બારમણ, મોટા બારમણ સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમાં વ્યાપક નુકસાન થયું છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને લઈ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાલમાં અનેક જિલ્લાઓમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહીછે. રાજ્ય સરકાર દ્વારા સર્વે બાદ ખેડૂતોને પાક નુકસાનીને લઈ સહાયની જાહેરાત કરવામાં આવશે.
2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 નવેમ્બર સુધી રહેશે. બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી સક્રિય રહેશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે માવઠું પડશે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે. હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.