Junagadh Rain: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે.  બીજી તરફ ગીર સોમનાથના ઉના પંથકમાં સોમવારે પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નદી-નાળા છલકાયા હતા. જોકે ભારે વરસાદને કારણે કેટલાક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલી વધી હતી. 

Continues below advertisement

જૂનાગઢ શહેરમાં વરસાદ

Continues below advertisement

જૂનાગઢ શહેરના બસ સ્ટેશન, મોતીબાગ, રેલવે સ્ટેશન, કાળવા અને ઝાંઝરડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે કેટલાક સ્થળોએ રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સતત વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા જૂનાગઢમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉના પંથકમાં વરસાદ

ગીર સોમનાથના ઉના પંથકમાં સોમવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ઉના વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નદી-નાળા છલકાઈ ગયા હતા. વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસના પાકને ફાયદો થવાની આશા છે. ભારે વરસાદના કારણે ઉના તાલુકાના પાલડી ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ગામના અંદાજે 35થી 40 ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને ભારે નુકસાન થયું છે. દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કેસરિયામાં પણ પાણી ભરાતા લોકોમાં રોષ

ઉના તાલુકાના કેસરિયા ગામમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. બાંભણિયા શેરી અને નવાપરા સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે. દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે અને વારંવારની રજૂઆત છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતાં લોકોમાં ભારે રોષ છે. 

હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે ખાસ કરીને કચ્છમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય હવામાન વિભાગે દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.