મહીસાગર: રાજ્યમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહીમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
સંતરામપુર શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ અચાનક સંતરામપુર શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દિધી છે. કમોસમી વરસાદના કારણે વાવેતર કરેલ પાક તેમજ ઘાસચારાની નુકસાનની ભીતિ છે.
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં (Gujarat) વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરાઈ છે. આગામી ત્રણ કલાક હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં આગામી ત્રણ કલાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ (weather department now cast) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારે પવન સાથે ગાજવીજ, છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી છે.
વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ
મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. આકાશમાં કાળા વાદળો સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સતત છેલ્લા કેટલાક દિવસોથી મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે વાવેતર કરેલ શિયાળુ પાકમાં જીવાત પડવાની શક્યતાને લઇ ખેડૂતો ચિંતિત છે. ઠંડા પવનો ફુંકાવાની સાથે વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળો વધે તેવી પણ શક્યતા છે. બેવડી ઋતુ વચ્ચે લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, વિરપુર, ખાનપુર, કડાણા, ગોધર, કોઠંબા સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું હતું.
આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે.