રાજ્યમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી શકે છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અમરેલીના લિલિયામાં ચાર ઈંચ  વરસાદ નોંધાયો છે.  રાજ્યમાં અત્યારસુધી 35 ઈંચ સાથે સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે.  


મોરબીના હબીબ મોવર સોલ્ટ વર્કસ નામના કારખાનામાં વીજળી પડવાની ઘટના બની છે. રોહિત પાટડીયા નામના કિશોરનું મોત નીપજ્યું છે. રમેશ નામનો યુવાન  ઈજાગ્રસ્ત થયો છે. અરવલ્લીના હેલોદર ગામમાં વીજ કરંટ લાગતાં ખેડુતનું  મોત થયું છે. ખેતરમાં પાણીના સિંચાઈ માટે મોટર ચાલુ કરવા જતાં લાગ્યો હતો વીજ કરંટ.  મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલાયો છે.  પરિવારમાં શોકનો માહોલ છે. 


ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 105.56 ટકા  વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ કચ્છમાં 160.67 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં 115 ટકા વરસાદ વરસ્યો છે. 


કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા


ગુજરાત વિધાનસભા મિશન 2022 માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે જ્યાં આજે તેઓ રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે. આ દરમિયાન તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.


કેજરીવાલના બે દિવસના કાર્યક્રમ


આવતીકાલે અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે ઓટો ડ્રાઈવર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે. બપોરે અમદાવાદ ખાતે ટ્રેડર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ સાંજે અમદાવાદ ખાતે એડવોકેટ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. 


અરવિંદ કેજરીવાલ તેમના પ્રવાસના અંતિમ દિવસે 13 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ ખાતે એક ગેરંટીની જાહેરાત કરશે. ત્યાર બાદ સાંજે કેજરીવાલ સફાઈ કર્મચારીઓ સાથે ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ 13મીએ સાંજે દિલ્હી જવા રવાના થશે.