Rainy weather in Valsad: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો બીજી તરફ આજે પણ વલસાડમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે. વલસાડ શહેરના તિથલ રોડ, હાલર રોડ, એમ જી રોડ પર વરસાદી છાંટા જોવા મળ્યા છે.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ કાળા વાદળ જોવા મળી રહ્યા છે. જો પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદ પડે તો બાજરી,મકાઈ અને ઘાસ ચારાને નુકસાન થશે તેવી ખેડૂતોને ભીતિ છે. નોંધનિય છે કે, જિલ્લામાં સતત 5 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ પરેશાન છે. જો કે વાદળછાયું વાતાવરણ રહેતા અસહ્ય ગરમીથી થોડી રાહત જરૂર મળી છે. આ ઉપરાંત તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
તો બીજી તરફ મહિસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ઠંડા પવનના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આકાશમાં કાળા વાદળો ઘેરાયા છે. જિલ્લામાં પ્રિ મોન્સુન એક્ટિવિટીનો વેગ વધ્યો છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળતા ગરમીથી લોકોને રાહત મળી છે.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઇ શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન સાનુકુળ ન હોવાથી કેરળમાં ચોમાસુ 2 દિવસમાં સત્તાવાર બેસી જશે. તો ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસુ બેસવાની કોઈ શક્યતા નથી. કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ પશ્ચિમ કાંઠા તરફ ખુબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની ગતિ ધીમી રહેશે.
એટલુ જ નહીં રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકુળ પેટર્ન ન રચાતા વહેલુ ચોમાસું બેસે તેવા હાલમાં કોઈ સંજોગો નથી. તો આ તરફ ગરમીનો પારો ફરી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમ પવન વચ્ચે રાજ્યમાં 3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આમ લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી શકે છે
બીજી તરફ આગામી બે દિવસમાં કેરળમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા છે. પવનની પેટર્ન બદલાતા ગુજરાતમાં 20-21 જૂન વચ્ચે ચોમાસુ બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તે સિવાય બે દિવસ બાદ ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી પહોંચે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી હતી.