વાંકાનેર: રાજ્યસભાના ઉમેદવાર બન્યા બાદ વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેર પહોંચ્યા હોય જ્યાં તેમનું ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું જે વિજય સરઘસમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપરાંત નગરજનો ઉમળકાભેર જોડાયા હતા તો વિજય સરઘસના શુભ પ્રસંગે પણ ભાજપનો જુથવાદ જોવા મળ્યો હતો


રાજ્યસભા સાંસદ તરીકે ઉમેદવારી કરનાર કેસરીદેવસિંહ ઝાલાનું વિજય સરઘસ આજે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી શરુ કરવામાં આવ્યું હતું અને શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યું હતું. જે વિજય સરઘસમાં જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી,સાંસદ મોહન કુંડારિયા,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને ધારાસભ્ય કાન્તી અમૃતિયા તેમજ સહકારી અગ્રણી મગન વડાવીયા પણ જોડાયા હતા.


 



વિજય સરઘસ પૂર્ણ થયા બાદ સભા યોજાઈ હતી જેમાં આગેવાનોએ ઉદબોધન કર્યું હતું જે ઉદબોધન પ્રસંગે ભાજપનો જુથવાદ ફરી જોવા મળ્યો હતો. સાંસદ મોહનભાઈએ પોતાની સ્પીચમાં વિરોધી જૂથ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ૨૦૨૪ માં પૂરું નથી થઇ જવાનું, અહીંથી શરુ થાય છે અને ૨૦૨૯ સુધી તેઓ સાંસદ રહેવાના છે તો ગાડા નીચે કુતરું આવી જાય જેને એમ લાગે કે તે ગાડું ખેંચે છે પણ ગાડું બળદ ખેંચતા હોય છે તેવું ઉદાહરણ આપી વિરોધી જૂથ પર આડકતરો પ્રહાર કર્યો હતો.


વાંકાનેરના ધારાસભ્ય જ ગેરહાજર રહેતા રાજકારણ ગરમાયું
વાંકાનેર ભાજપમાં વિધાનસભા ચુંટણી પૂર્વેથી જુથવાદ જોવા મળી રહ્યો છે અને મામલો હજુ થાળે પડ્યો હોય તેમ લાગતું નથી. વાંકાનેરના મહારાણા રાજ્યસભા સાંસદ બનવાના હોય તેને લઈને વિજય સરઘસ યોજાયું હતું જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ,પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપરાંત હળવદ, મોરબી અને ટંકારાના ધારાસભ્ય જોડાયા હતા. જોકે વાંકાનેરમાં જ કાર્યક્રમ હોવા છતાં વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા હતા. જે ચર્ચાનો વિષય બન્યો હતો અને હજુ જુથવાદ ખતમ નથી થયો તેવી ચર્ચા પણ જોવા મળી હતી.


કોણ છે કેસરીદેવસિંહ ઝાલા ?


ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહજી ઝાલાને ઉમેદવાર બનાવ્યા હતા.


શા માટે કેસરીદેવસિંહની થઈ પસંદગી


તેઓ વાંકાનેર સ્ટેટના મહારાજા અને ભાજપના સનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તો વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.


કેસરીદેવસિંહની પક્ષમાં કામગીરી 


ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહી હતી. દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક પર ભાજપને સત્તા મળી હતી. કોંગ્રેસના પીરજાદાની હાર માટે કેસરીદેવસિંહની રણનીતિ સફળ રહી હતી. આ ઉપરાંત તેઓ પક્ષમાં અનેક જવાબદારીઓ નીભાવી ચૂક્યા છે. તેઓ 2011થી ભાજપના સક્રિય સભ્ય છે. 2014,2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ તેમણે સંભાળી છે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે.


કેસરીદેવસિંહની સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓ


કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. કેશરીદેવસિંહ અને આ તમામ કારણોથી જ સમગ્ર વાંકાનેરની જનતા તેમના પ્રિય નેતા અને રાજાને પ્રજાના પ્રતિનિધિ તરીકે જોવા ઈચ્છે છે. મહારાજા દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેશરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial