New Year: 'નવા વર્ષના સૌને રામ રામ' - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતીઓને પાઠવી નવા વર્ષની શૂભેચ્છાઓ
New Year: રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ ધનતેરસના પાવન દિવસે પોતપોતાની કચેરીમાં વિધિવત્ પ્રવેશ કરી કાર્યભાર સંભાળ્યો હતો

New Year: ગુજરાતમાં આજે નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ગુજરાતીઓ આજે હરખભેર બેસતું વર્ષ ઉજવી રહ્યાં છે. પીએમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે, આ લિસ્ટમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાતીઓને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવી છે. હર્ષ સંઘવીએ એક્સ પૉસ્ટ કરીને કહ્યું નવા વર્ષના સૌને રામ રામ !
હર્ષ સંઘવીએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. નવા વર્ષના સૌને રામ રામ ! ખમીરવંતા ગુજરાતીઓને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ.
નવા વર્ષના સૌને રામ રામ !
— Harsh Sanghavi (@sanghaviharsh) October 22, 2025
ખમીરવંતા ગુજરાતીઓને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ. #NewYear pic.twitter.com/8Nhb0182Sp
હર્ષ સંઘવીએ દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવી
આ પહેલા હર્ષ સંઘવીએ દિવાળીની શુભેચ્છા પાઠવી અને પોલીસ પરિવારના બલિદાનને બિરદાવ્યું. તેમણે કહ્યું, "અંધકારમાં દીપ પ્રગટાવવાનું કારણ પોલીસ બને એવી પ્રાર્થના છે." તેમણે એસટીના કર્મચારીઓ અને પોલીસકર્મીઓના તહેવારોમાં પરિવારથી દૂર રહીને ફરજ બજાવવાના સમર્પણને વખાણ્યું.
ધનતેરસના દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો
રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ ધનતેરસના પાવન દિવસે પોતપોતાની કચેરીમાં વિધિવત્ પ્રવેશ કરી કાર્યભાર સંભાળ્યો હતો. હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ્ સંકુલ એક ખાતે વિધિવત્ રીતે નાયબ મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલાં તેમણે ભગવાનના દર્શન કરી રાજ્યની પ્રગતિ અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાથી સભ્ય તરીકે કાર્યભાર સંભાળવાની તક મળી છે.
હર્ષ સંઘવીની રાજકીય કારકીર્દી
40 વર્ષના હર્ષ સંઘવીને દાદાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સ્થાન મળ્યું છે. મજુરા વિધાનસભા સીટથી પ્રતિનિધિત્વ કરનાર હર્ષ સંઘવી નાની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. આ સાથે તેઓ સૌથી નાની ઉંમરે ગૃહમંત્રાલય જેવો સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો પણ સંભાળ્યો છે. હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985ના રોજ સુરતમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ કુમાર સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન સંઘવી છે. હર્ષ સંઘવીએ 9માં ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હર્ષ સંઘવીએ પ્રાચીબેન સંઘવી સાથે લગ્ન કર્યા છે. જેઓ હાલ ગૃહિણી છે. હર્ષ સંઘવીને સંતાનમાં એક પુત્ર આરૂષ અને પુત્રી નિરવા છે. કોરોના દરમિયાન તેમણે લોકોની ખૂબ જ મદદ અને સેવા પણ કરી હતી.
હર્ષ સંઘવી માત્ર 15 વર્ષની વયે રાજકારણમાં જોડાયા હતા. ભાજપની યુવા પાંખમાં કામ કરતા સમયે તેઓ યુવા મોરચામાં જોડાયા. હર્ષ સંઘવીએ અનુરાગ ઠાકુર અને પંકજા મુંડે સાથે પણ કામ કર્યું હતું. જે સમયે વર્ષ 2014માં જ્યારે પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી ત્યારે હર્ષ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને એ જ સમયથી ચર્ચામાં આવેલ હર્ષ સંઘવી પીએમ મોદી અને અમિત શાહના પ્રિય બની ગયા હતા.
2012માં હર્ષ સંઘવીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મજુરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ચૂંટણી તેઓ રેકોર્ડ બ્રેક વોટ જીતવામાં સફળ રહ્યા હતા અને તે સમયના સૌથી યુવાન ધારાસભ્ય બન્યા. 2017માં પણ તેમને ટિકિટ મળી હતી. આ સમયે પણ તેઓ ચૂંટણી જીત્યા હતા. આ બાદ તેઓ ગુજરાત સરકારમાં સૌથી યુવા ગૃહમંત્રી બન્યા. હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર મેળાનું આયોજન કરે છે અને આ જ કારણ છે કે તેમને યુવાઓમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે. હર્ષ સંઘવી આદિવાસી અને પછાત વર્ગ સહિત અનેક લોકોની મદદ માટે હંમેશા આગળ રહ્યા છે.





















