અમદાવાદ: વિધાનસભા ચૂંટણી પગેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. જેને લઈને હવે વિવિધ આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો આવો જાણીએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે એસપીજી નેતા લાલજી પટેલ, કોંગ્રેસ નેતા ગીતા પટેલ અને પાસ આગેવાન અલ્પેશ કથિરીયાએ શું પ્રતિક્રિયા આપી.


નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે કોંગ્રેસ નેતા ગીતા પટેલે કહ્યું કે હું બહું ખુશ છું. નરેશ પટેલ કોંગ્રેસમા આવી રહ્યા છે તેની સૌથી વધુ મને ખુશી છે. જો નરેશ ભાઈમાં કોંગ્રેસમાં આવતા હોય અને આ ભ્રષ્ટ સરકાર સામે લડવા તૈયાર થતા હોય તો મને બહુ આનંદ છે. 


 



નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે એસપીજી નેતા લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી જે અમને તકલીફ પડી છે તેનાથી નરેશ પટેલ વાકેફ છે. તેઓ જે કોઈ પાર્ટીમાં જશે સમાજને ફાયદો થશે. જો નરેશ ભાઈ સીએમ બને તો અમારી ઘણી સમસ્યાઓનું સમાધન થઈ જશે.કારણ કે તેમને અમારી સમસ્યાઓની ખબર છે અને તેઓએ ઘણીવાર અમને સમર્થન આપ્યું છે.


 



પાસ નેતા અલ્પેશ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે, નરેશ પટેલના કોંગ્રેસમાં જવાથી પાર્ટીને શું ફાયદો થશે ત્યારે તેમણે કહ્યું કે, સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સજ્જન વ્યક્તિ રાજકારણમાં આવે છે ત્યારે પાર્ટીને ફાયદો થાય જ છે. જો કે જયાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી વધારે કઈ ન કહી શકાય.


તો બીજી તરફ દેશમાં વધી રહેલી મોંઘવારી મુદ્દે રાજકોટ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. 6 એપ્રિલના રોજ વિરોધ પક્ષના નેતા, પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી સહિતના આગેવાનો રાજકોટ આવશે. 7 એપ્રિલ ના રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નરેશ પટેલને હાજર રાખવા કવાયત કરવામાં આવી રહી છે .
પ્રદેશ કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ આ માહીતી આપી છે.


પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ કહ્યું કે, આ વાત ખોટી અને વાહિયાત લાગે છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસમાં જે લીડરશીપનો અભાવ છે તે પૂર્ણ થશે.


નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી તેને લઈને તમામ લોકો જાણવા માંગે છે. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.  નરેશભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા  કહ્યું,   આપ બધાને દિલગીર વ્યક્ત કરુ છુ તમે લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું બહાર હતો.  આજે આપના પ્રશ્નોના જવાબ આપવા આપની સમક્ષ હાજર થયો છું. 


ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે. 


નરેશભાઈ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ખૂબ જૂનો સબંધ છે તેના લીધે મળવાનું થયું છે. નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી છે.નરેશ પટેલ પોતે રાજકારણમાં જોડાવવા ઈચ્છતા હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ સ્વિકાર કરી છે. તેમણે કહ્યું રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય. નરેશભાઈ પટેલે કહ્યું કે,  ગુજરાતનાં તમામ ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે. રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે તે પ્રશ્નનાં જવાબમાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું કે, સર્વે સમિતિનાં રીપોર્ટ  બાદ  આ નિર્ણય લઇ શકાશે અને ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.