અમદાવાદ:  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની શકયતા છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. આ કારણે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.  સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Continues below advertisement

રાજ્યના સમગ્ર દરિયાકાંઠે LCS-3 લગાવાયું છે. ભારે વરસાદની શક્યતાને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે  અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દીવમાં  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય  રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે.   કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદની શક્યા છે.   સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.     

મંગળવારની વરસાદને લઈ આગાહી

30 સપ્ટેમ્બર મંગળવારે  વરસાદનું જોર ઘટી શકે છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મંગળવારે  દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા આ દિવસે વ્યક્ત કરવામાં આવી છે. 

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.  

ગીર સોમનાથમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સૂત્રાપાડામાં આઠ ઈંચ વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. સૂત્રાપાડાના કનેહર વિસ્તારના અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૂત્રાપાડા પંથકમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ  વરસ્યો.  છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં 5,કોડીનાર, તલાલામાં 4-4 ઈંચ, ઉના અને ગીર ગઢડામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે.