અમરેલી: રાજ્યમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 15થી વધારે જિલ્લામાં ગઈકાલે સોમવારે વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ભારે પવન સાથે વરસાદના કારણે અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાનો માર યથાવત છે. અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાનવ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
અમરેલી, સાવરકુંડલા, લીલીયા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ખાંભા, રાજુલા સહિતના તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો છે. લીલીયા પંથકમાં વરસાદના પગલે નાવલી નદીમાં પાણી વહેતા થયા છે. સાવરકુંડલાના મોટા ભમોદરા, જાબાળ સહિતના વિસ્તારમાં માવઠું પડ્યું છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. વીજપડી, મેરિયાણામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તા પર ચોમાસાની જેમ પાણી વહેતા થયા છે. સાવરકુંડલાના ભેકરા, નાની વડાલ, વીજપડી, બોરાલામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ખડાધાર,બોરાળા ગીદરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરમાં પણ વીજળીના કડાકા સાથે ઝાપટા પડ્યા છે. કેરી, ડુંગળી, બાજરી સહિતના ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
ભાવનગરમાં કરા સાથે વરસાદ
ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. મહુવા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. સતત ત્રીજા દિવસે માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે. ડુંગળી, કેરી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે.
ભાવનગરમાં સતત બીજા દિવસે તોફાની વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. તળાજા તાલુકામાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. અલંગ, મણાર, સોસીયા, ત્રાપજમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.