અમદાવાદઃ અમદાવાદમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચશે. કાળઝાળ ગરમીથી ચેતીને રહેવા અમદાવાદવાસીઓને હવામાન વિભાગે સલાહ આપી છે. તે સિવાય લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. ઉપરાંત રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચ્યો છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 42 ડીગ્રીને પાર થઈ ગયું છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસમાં ગરમીના કારણે અનેક લોકો હિટવેવ નો શિકાર થયા છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડાં પીણાંનો સહારો લઈ રહ્યાં છે. ભાવનગરમાં આગામી દિવસોમાં પણ ગરમીનું તાપમાન વધે એવી શક્યતા છે. જેથી લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
હજુ તો મે મહિનો બાકી છે. એ પહેલા જ રાજ્યમાં ગરમી એપ્રિલ મહિનામાં નવા નવા રેકોર્ડ તોડી રહી છે. ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં 44.4 ડિગ્રી સાથે છેલ્લા દસ વર્ષમાં એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી.
આ વખતે એપ્રિલ મહિનામાં જ ત્રીજી વખત ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં ત્રણ અને ચાર મે દરમિયાન ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાશે. જો કે ત્યારબાદ ફરીથી ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.
ગાંધીનગરમાં પણ છેલ્લા દસ વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ ગરમીનો નવો રેકોર્ડ નોંધાયો હતો. સુરતમાં પણ એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો હોય તેવુ બે વર્ષમાં પ્રથમવાર બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચાર પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે.
ગુરૂવારે રાજ્યના શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમદાવાદમાં 44.4 ડિગ્રી તાપમાનથી અમદાવાદની જનતા ત્રાહિમામ પોકારી હતી. પાટનગર ગાંધીનગર અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી, વડોદરામાં ગરમીનો પારો 43.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો.
રાજકોટમાં ગરમીનું 43.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. કેશોદમાં ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો સુરત, ભાવનગર, ભૂજ અને ડિસામાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો હતો. વલ્લભવિદ્યાનગરમાં પણ ગરમીનો પારો 41.6 ડિગ્રી પર પહોંચ્યો હતો.