Rain Alert : રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ સહિત આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને લઇને વરસાદનું રેડ એલર્ટ અપાયું છે . આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
અમદાવાદ શહેરમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ઉપરાંત આણંદ, ભરૂચ, સુરેંદ્રનગર, ભાવનગરમાં બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. લો પ્રેશર સક્રિય થતા સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે 18 થી 22 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ
ભાવનગર, બોટાદ અને અમેરલી જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ભાવનગર, બોટાદ અને અમરેલીમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે રજૂ કરેલા તાજા આંકડા પ્રમાણે, આજે બપોર સુધી 116 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમા સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં 5.24 ઇંચ પડ્યો છે, આ ઉપરાંત ઉમરાળામાં 4 ઇંચ અને ચૂડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લાને આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ઘમરોળ્યા હતા. ખાસ કરીને જેસરમાં તો જાણે આભ ફાટયું હોય તેમ સવારે 6થી સાંજના 6 કલાક સુધીમાં ધોધમાર સાડા દસ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદના પગલે તળાજાના વાલર ગામની બગડ નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિ તેમજ મહુવાના તલગાજરડામાં કોઝવે પાસે સ્કૂલ બસ ફસાતા વહીવટી તંત્ર અને ગ્રામ્ય જનતાએ જીવના જોખમે 36 વિદ્યાર્થીઓને બચાવી બહાર કાઢી લીધા હતા. તળાજી નદી, બગડ નદી, ગૌતમેશ્વર તળાવ, માલણ ડેમ વગેરે બે કાંઠે-ઓવરફ્લો થતાં આસપાસના ગામો-વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.