Dang News: ઇકો સિસ્ટમને વધુને વધુ સંતુલિત કરવાના હેતુ સાથે વન વિભાગ દ્વારા ડાંગના જંગલોમાં વધુ એક સફળ અનોખી પહેલ હાથ ધરાવવામાં આવી છે. વન વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની વધતી સંખ્યા એ માનવ તેમજ પ્રાણી વચ્ચે સંઘર્ષ ઘટાડવાનું મહત્વનું પગલું છે. જેને સાર્થક કરવા રાજ્યના વન વિભાગ દ્વારા ડાંગમાં શરૂ કરાયેલા ‘ડીઅર બ્રિડીંગ સેન્ટર’ના પરિણામ સ્વરૂપે આ જંગલોમાંથી લુપ્ત થયેલા હરણ-ચિત્તલનો વર્ષો બાદ પુન: વન પ્રવેશ થયો છે.


ડાંગ ખાતેના ‘પૂર્ણા અભયારણ’માં તાજેતરમાં છોડાવામાં આવેલા 50 હરણની સંખ્યા વધીને હવે 64 થઇ છે. આ નવીન પહેલના પ્રારંભથી હવે ડાંગના જંગલોમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. આ ઉપરાંત હાલમાં વધુ 11 હરણોની ડીઅર બ્રિડીંગ સેન્ટરમાં માવજત કરવામાં આવી રહી છે તેમ,વન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

વન મંત્રી મૂળુભાઈએ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતના વન વિસ્તારોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાણીઓના સંવર્ધન-સંરક્ષણ માટે અનેકવિધ નવા આયામ-અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હરણ-ચિત્તલની વસ્તીમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે ઉત્તર ડાંગ વન વિભાગ હેઠળ કાલીબેલ રેંજ કાર્ય વિસ્તારમાં ચીખલા બીટ ખાતે ડીઅર બ્રિડીંગ સેન્ટરની સ્થાપના વર્ષ 2010-11માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ વન વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા અને માનવ અને પ્રાણી વચ્ચે થતા સંઘર્ષને ઘટાડવાનો છે. આ ઉપરાંત ફૂડ-ચેઇન પુનઃસ્થાપિત કરવા તથા તૃણાહારી-માંસાહારી પ્રાણીઓની કુદરતી ફૂડ-ચેઇન ચક્ર જળવાઈ રહે તે હેતુથી ચિત્તલ-હરણ માટે આ ડીઅર બ્રિડીંગ સેન્ટરમાં તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં પીવાના પાણી માટે ઝલર/કુંડી, ચેકડેમો, વન-તલાવડી વગેરે તેમજ હરણનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વેટરનરી ડોકટરો અને અન્ય નિષ્ણાતો દ્વારા સેન્ટરની નિયમિતપણે મુલાકાત લેવામાં આવે છે જેથી હરણ-ચિત્તલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.





તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારના ગુજરાત વન્યજીવ સલાહકાર બોર્ડની ભલામણ અન્વયે વર્ષ 1977માં ડાંગમાં ‘પૂર્ણા વન્યજીવ અભયારણ્ય’ની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2019 અને ત્યારબાદ જૂનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કુલ- 37 ચિત્તલની ફાળવણી ઉપરાંત વાંસદાના રાજા શ્રીમાન જયવિરેન્દ્રસિંહ સોલંકી દ્વારા અત્યાર સુધીમાં કુલ 12 ચિતલને ડાંગના ડીઅર બ્રિડીંગ સેન્ટરમાં ભેટમાં આપવામાં આવ્યા હતા.




પૂર્ણા અભયારણ્યમાં સ્થિત ડીયર બ્રીડિંગ સેન્ટર ખાતેથી 50 હરણોને આ અભયારણ્યના કુદરતી વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા,જેની સંખ્યા અત્યારે ટૂંકા સમયમાં જ વધીને 64 થઇ છે.જે દિવસ -રાત મોનેટરીંગ કરતા વન વિભાગના કર્મીઓના અથાક પ્રયત્નોનું પરિણામ છે. આ તમામ સ્વસ્થ ચિત્તલને તેમના બચ્ચા સાથે કુદરતી નિવાસ સ્થાન એવા પૂર્ણા અભયારણ્ય વિસ્તારમાં છોડવામાં-મુક્ત કરવામાં આવ્યા છે જે ડાંગમાં આવતા પ્રવાસીઓ માટે આકષર્ણનું કેન્દ્ર બનશે.

વન મંત્રી મૂળુભાઈએ ઉતર ડાંગ વન વિભાગ હેઠળના ડીઅર બ્રીડીંગ સેન્ટરની ગત સપ્તાહે રૂબરૂ મુલાકાત કરીને હરણ-ચિત્તલના સંવર્ધન-સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનું જાત નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી.