ભારે વરસાદને લઈને વલસાડની ઓરંગા નદી બે કાંઠે થઈ છે.  નદી બે કાંઠે થતા નદીમાં રેતી ખનન કરતો એક શખ્સ ફસાઈ ગયો હોત.  JCBમાં એક વ્યક્તિ ફસાઈ ગયો. અચાનક જ પાણી આવી જતા JCBમાં રહેલો શખ્સ બહાર ન નીકળી શક્યો. બાદમાં  જેસીબી પર જે વ્યક્તિ હતો તેની શોધખોળ શરૂ કરવામાં આવી. વ્યક્તિને રેસ્ક્યુ કરવા માટે એન ડી આર એફની ટીમ હોડી લઈને પહોંચી હતી. હાલ તે વ્યક્તિને બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે રેતી કાઢવાનું કામ કરતા પ્રોજેક્ટના બે મજૂર જેસીબી પર જ સુતા હતા અને અચાનક ચારે બાજુ પાણી આવી ગયા બાદમાં અન્ય કર્મચારીઓ અને ગામના લોકોને ખબર પડતા પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. NRDFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજીત 15 કલાકથી વધુ સમય સુધી વ્યક્તિ JCBમાં રહ્યો હતો. જો કે હાલ તો તે સલામત છે. 


વલસાડના લીલાપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. વલસાડના લીલાપુરના વેજલપુર વિસ્તારમાં કમરડુબ પાણી ભરાયા હતા.  જ્યાં એક દર્દીનું સ્થાનિકો અને NDRFની ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન કર્યુ હતું.  ગ્રામજનોએ દર્દીને પોતાના ખભા પર બેસાડીને NDRFની ટીમ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.  જ્યારે ત્યાંથી NDRFની ટીમે દર્દીને બોટમાં બેસાડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. 


નવસારી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસતા તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ  છે.  નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. મોરલી ગામ નદી કિનારે ઘાસ કાપવા ગયેલી સાત મહિલાઓ નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી.  સાત મહિલાઓ ફસાયાના સમાચાર મળતા જ સ્થાનિક યુવાનોએ મહિલાનો બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ.  અને નાવડીઓની મદદથી સ્થાનિક યુવાનોએ સાતેય મહિલાઓને જીવના જોખમે બચાવી લીધી હતી. 


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેંદ્રનગર,જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.