અમદાવાદ: 1980ના દાયકામાં જો કોઈ પોલીસ અધિકારી તરીકે નોકરી મેળવે તો સમાજમાં તેનો વટ અલગ જોવા મળતો.સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં IPS અધિકારીઓ કરતા ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઈન્સપેકટરનો મોભો વધારે રહેતો. લોકોમાં પોલીસ અધિકારીની અમીટ છાપ ધરાવતા એવા જ એક બાહોશ પોલીસ અધિકારી એટલે સુખદેવસિંહ ઝાલા. પોલીસ ખાતાના ખરા અર્થમાં સિંધમ અધિકારી તરીકેની લોકોમાં છાપ ધરાવતા આ અધિકારીએ ગઈકાલે (રવિવારે) હૃદયરોગના હુમલાને કારણે ફાની દુનિયા છોડી દિધી.
1976માં પોલીસ સબ ઈન્સપેકટરથી કારર્કિદી શરુ કરનાર સુખદેવસિંહ 2011માં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિવૃત થયા હતા. તેમની જે શહેરમાં બદલી થતી ત્યાના ગુનેગારો શહેર છોડીને અન્ય જગ્યાએ જતા રહેતા. સૌરાષ્ટ્રના જામનગરના દાણચોરી માટે કુખ્યાત સલાયા હોય કે પછી ગેંગવોરથી ધમધમતા પોરબંદરમાં તેમની હાજરી માત્રથી ગુનાખોરી પર અંકુશ આવતો.
તેમના નામ માત્રથી ગુનેગારો ધ્રુજતા
સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં જયારે PSI તરીકે સુખદેવસિંહ ઝાલાની નિમણૂક થાય ત્યારે લોકોમાં ખુશીનો માહોલ છવાઈ જતો હતો કારણ એ હતું કે હવે ગુનેગારોની મનમાની નહીં ચાલે. કોઈપણ ગુનામાં તલસ્પર્શી તપાસ અને તેમાં ભલભલા મોટા રાજકીય ઓથ હેઠળ ગુનાખોરી કરનાર ગુનેગારોને નહીં છોડનાર અધિકારી એટલે સુખદેવસિંહ ઝાલા. પોરબંદરમાં નેવુના દાયકામાં ગેંગવોરને ખતમ કરવાનો જો કોઈને શ્રેય જાય તો તેમાં સુખદેવસિંહનો ફાળો ખૂબ જ મોટો હતો. પોરબંદરમાં ખારવા સમાજના વાણોટ અને બોટ એસોસિએશનના પ્રમુખ એવા જશુ ગગન શિયાળનું એન્કાઉન્ટર અને પછી શહેરની ગુનાખોરીમાં મેર અને ખારવા ગેંગસ્ટરોમાં તેમના નામનો ફફડાટ ફેલાયો. સુખદેવસિંહે મીની શિકાગો ગણાતા પોરબંદરમાં શાંતિની શરુઆતના શ્રીગણેશ કર્યા. લોકો અન્યાય સામે લડતા હોય તો તપાસ સુખદેવસિંહ ઝાલા કરે તેવી માંગ અનેક વખત સરકાર સમક્ષ ઉઠતી અને તેમાં લોકોની અપેક્ષા સાચી પણ સાબિત થતી.
સુખદેવસિંહને બે વર્ષનું એકસટેન્શન અપાયું હતું
આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરનો છે. વર્ષ 2006માં શહેરના નામી તબીબ દંપતીના સગીર પુત્રનું અપહરણ થયુ.અપહરણકારોએ તેમની માંગ ન સંતોષાતા સગીર પુત્રની હત્યા કરી નાંખી. આ મુદે જેતપુરવાસીઓેમાં રોષ ભભુકી ઉઠયો.લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો અને બે દિવસના બંધ પછી હત્યા કેસની તપાસ સુખદેવસિંહને સોંપવાની માંગ ઉઠી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકરોષને ધ્યાને રાખી માંગ સ્વીકારી અને સુખદેવસિંહે ગણતરીના દિવસોમાં ગુનેગારોને ઝડપી અને જેલના સળીયા પાછળ ધકેલી દિધા. ગોંડલના નિલેશ રૈયાણી હત્યા કેસમાં સુખદેવસિંહે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કરેલી તપાસ લોકો આજે પણ યાદ કરે છે. તેમની લોકચાહના અને કાર્યપધ્ધતિના પગલે નિવૃતીના છેલ્લા દિવસે રાજય સરકારે ડીવાયએસપીનું પ્રમોશન આપી બે વર્ષનું એકસટેન્શન આપ્યું હતું.
તેમની કાર્યશૈલીથી પોલીસકર્મી પણ ગભરાતા
સુખદેવસિંહ નિવૃતી બાદ પોરબંદર અને જામનગર કોર્ટમાં કેસની મુદત વખતે હાજરી આપવા આવે ત્યારે કોર્ટમાં એક અલગ વાતાવરણ જોવા મળતુ હતું. પોરબંદરમાં ગુનાખોરીને ડામવા માટે તેમણે પહેલા Psi તરીકે DSP એમ.એમ ઝાલાની નીચે અને બાદમાં થોડા વર્ષો બાદ ફરીથી બદલી થઈ Pi તરીકે સતિષ વર્માની આગેવાની હેઠળ ગુનેગારોને કડક પાઠ ભણાવેલો. પોલીસ અધિકારી તરીકે તેઓ નખશિખ પ્રામાણિક અને શિસ્તનુ પાલન કરનાર હતા. તેમની કાર્યશૈલીથી પોલીસકર્મી પણ ગભરાતા. પોતાને કોઈ મોટા સપના ન હોવાને પગલે તેઓ પોલીસ અધિકારી તરીકે કામગીરી સારી રીતે કરી શકે છે તેવુ તેમના અનેક મિત્રોને જણાવી ચુકયા હતા. એટલે જ નિવૃતી બાદ તેઓએ સરળતા અને સાદાઈને અપનાવી તે વાતને સાર્થક પણ કરી બતાવી.
ઝમર ગામ ખાતે હજારો વૃક્ષોનું રોપણ કર્યું
ગાયત્રી માતાજીમાં અપાર શ્રધ્ધા ધરાવતા હોય તેમણે પીળા વસ્ત્રો ધારણ કરી ગાયત્રીની ઉપાસના કરી. પોતાના વતન સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર ગામ ખાતે પર્યાવરણને જીવંત કરવાના સંકલ્પ સાથે હજારો વૃક્ષોનું રોપણ કરી તેનુ જતન કર્યુ.