ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવમાં ભડકો, પાણી ઓસર્યા બાદ જ ભાવ ઘટવાની શક્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2020 08:05 AM (IST)
બજારમાં 25 રૂપિયા કિલો મળતી દૂધી આજે 80 રૂપિયા મળી રહી છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો પાણીમાં ગરકાવઈ થઈ ગયા છે જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી બાજુ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાન્સપોર્ટેશન પણ અઘરું બન્યું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર અને અમદાવાદના બજારોમાં ઉત્તર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ફળો-શાકભાજી આવતા હોય છે. પરંતુ પાછલા એક સપ્તાહમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે બજારોમાં શાકભાજીની અછત સર્જાઈ છે. બજારમાં 25 રૂપિયા કિલો મળતી દૂધી આજે 80 રૂપિયા મળી રહી છે. તો 60 રૂપિયા મળતી કોથમીર આજે 200ના પારે પહોંચી છે. કંકોડા 100 રૂપિયા મળતા હતા તે આજે 180 રૂપિયા કિલો મળી રહ્યા છે. પાણી ઓસરશે અને નવી આવક થશે ત્યારે બજારમાં શાકભાજીના ભાવ ઘટશે તેવું વેપારીઓનું માનવું છે.