વડોદરા સહિત રાજ્યભરમાં આજથી મહા રસીકરણ અભિયાનની શરૂઆત થઇ છે. આ મહા રસીકરણ અભિયાનના કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલના નિવેદને ચર્ચા જગાવી છે. યોગેશ પટેલે કહ્યું કે વેક્સિન ન લેનારને મફત અનાજ ન આપવું જોઈએ. આટલેથી ન અટક્યા મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે રસી ન લેનારને અનાજ ન આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરશે.


સાથોસાથ વડોદરા કલેકટરને પણ આ અંગે યોગ્ય નીતિ બનાવવા માગ કરી છે. નોંધનીય છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તાજેતરમાં જ ગરીબોને દિવાળી સુધી વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી.


નોંધનીય છે કે, સોમવારથી તમામ વયજુથના નાગરિકો માટે કોરોના વેક્સિન વિનામૂલ્યે આપવાની શરૂઆત થતા જ દેશભરમાં રસીને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સોમવારે એક જ દિવસે દેશભરમાં 81 લાખથી વધુ નાગરિકોએ રસી લીધી હતી. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર સોમવારે નવી ગાઈડલાઈન જાહેર થતા એક જ દિવસમાં લગભગ 81 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી હતી.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર સૌથી વધુ મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં 15 લાખથી વધુ નાગરિકોએ કોરોનાની રસી લીધી. તો ગુજરાતમાં પણ એક દિવસમાં પાંચ લાખથી વધુ નાગરિકોએ કોરોનાની રસી લીધી. કર્ણાટકમાં દસ લાખથી વધુ ઉત્તર પ્રદેશમાં છ લાખથી વધુ હરિયાણામાં ચાર લાખથી વધુ નાગરિકોએ કોરોનાની રસી લીધી.


આ સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ, દિલ્લી, આંધ્રપ્રદેશ, જમ્મુ-કશ્મીરમાં પણ વેક્સિનેશનને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.


એક જ દિવસમાં રસી આપવાના રેકોર્ડ પર પ્રધાનમંત્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું આજે રસીકરણની રેકોર્ડ તોડતી સંખ્યા ઉત્સાહજનક છે. કોવિડ19 સામેની લડાઈમાં રસી આપણનું સૌથી મજબૂત હથિયાર બની રહેશે. વેલ ડન ઈન્ડિયા!


ગઈકાલથી જ કોરોના રસીકરણની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે. જે અનુસાર, કેંદ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને વેક્સીન આપશે. ભારત સરકાર દેશમાં સ્થિત વેક્સિન પ્રોડક્શન કરતી કંપનીઓ પાસેથી કોરોનાની રસી 75 ટકા ખરીદશે.


પહેલા રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને 50 ટકા ખરીદવાની મંજૂરી આપી હતી. પરંતુ રાજ્યો દ્વારા પૈસા સહિત કેટલીક સમસ્યાઓની ફરિયાદ બાદ પ્રધાનમંત્રી મોદીએ રસીકરણના દિશાનિર્દેશોમાં બદલાવની જાહેરાત કરી હતી.