War: મોરબીના યુવકનું યૂક્રેન સમક્ષ આત્મસમર્પણ, રશિયા તરફથી લડી રહ્યો હતો યુદ્ધ, રશિયા ગયો તો ભણવા ને...
Russia and Ukraine War: ગુજરાતના મોરબી શહેરનો 22 વર્ષીય યુવક માજોતી સાહિલ મોહંમદ હુસેન ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો

Russia and Ukraine War: છેલ્લા ચાર વર્ષથી રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, બન્ને દેશોના સૈનિકો યુદ્ધના મેદાનમાં છે, પરંતુ હવે યુદ્ધના મેદાનમાંથી ગુજરાત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, ખરેખરમાં, મોરબીના યુવકે આ યુદ્ધમાં રશિયા તરફથી લડવા ઉતર્યા બાદ યૂક્રેન સમક્ષ આત્મસમર્પણ કરી દીધુ છે. મોરબીનો આ 22 વર્ષીય યુવક રશિયામાં અભ્યાસ અર્થે ગયેલો અને ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ હતો. જોકે, રશિયાના કાયદા પ્રમાણે તેને જેલથી બચવા માટે યુદ્ધમાં જવાનું પસંદ કર્યુ અને અંતે આત્મસમર્પણ કરી દીધુ હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતના મોરબી શહેરનો 22 વર્ષીય યુવક માજોતી સાહિલ મોહંમદ હુસેન ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો. જોકે, ત્યાં તે ડ્રગ્સ કેસમાં દોષિત ઠર્યો હતો અને સ્થાનિક કોર્ટે તેને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. જેલની સજામાંથી બચવા માટે સાહિલે એક અસામાન્ય રસ્તો અપનાવ્યો હતો. તે રશિયન કાયદાનો લાભ લઈને રશિયન સેનામાં જોડાયો હતો. સેનામાં જોડાયા બાદ તેને 1 ઓક્ટોબરે યુક્રેન સામેના યુદ્ધના મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. જોકે, યુદ્ધના મેદાનમાં પહોંચ્યાના માત્ર ત્રણ દિવસની અંદર જ સાહિલે યુક્રેનિયન દળો સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. યુદ્ધની ભીષણતા અથવા જેલમાંથી મુક્તિની આશાએ તેણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ ઘટના વચ્ચે એ પણ માહિતી સામે આવી છે કે, સાહિલની જેમ ભારતના કુલ 126 નાગરિકો રશિયન સેનામાં જોડાયા છે. યુદ્ધમાં ફસાયેલા આ ભારતીય નાગરિકોની સુરક્ષા અને મુક્તિ અંગે પણ હવે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





















