Digital Arrest: સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે એક જાગૃત બેંક કર્મચારીની મદદથી 'ડિજિટલ અરેસ્ટ' સ્કેમનો મોટો પર્દાફાશ કરી 75 વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાની ઠગાઈથી ઉગારી લીધા છે. મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ફ્રોડસ્ટર્સે દંપતીને સતત ત્રણ દિવસ સુધી વિડીયો કોલ પર રાખ્યા હતા અને 25 તોલા સોનું તેમજ ₹2 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) હડપવાનો ખેલ રચ્યો હતો.
મુંબઈ પોલીસ અને નાણાકીય કૌભાંડનો ભય બતાવી 3 દિવસ 'ડિજિટલ અરેસ્ટ' કર્યા
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારોએ 75 વર્ષીય વૃદ્ધ અને તેમના પત્નીને ફોન કરીને ખોટો ડર બતાવ્યો હતો કે, તેમના આઈડી સાથે લિંક થયેલા સિમ કાર્ડનો ઉપયોગ "નરેશ ગોયલ" નામના વ્યક્તિ સાથે જોડાયેલા મોટા નાણાકીય કૌભાંડમાં થયો છે. કાનૂની કાર્યવાહીથી ડરાવીને ઠગોએ સતત ત્રણ દિવસ સુધી વિડીયો કોલ દ્વારા દંપતીને "ડિજિટલ અરેસ્ટ" હેઠળ રાખ્યા હતા.
ત્યારબાદ કેસમાંથી નામ હટાવવાના બહાને ઠગોએ પૈસાની માગણી કરી હતી. ગુનેગારોએ દંપતી પાસે રહેલું 25 તોલા સોનું ઓગાળીને બિસ્કિટ બનાવવાની અને ₹2 લાખની FD તોડીને રકમ ભેગી કરવાની સૂચના આપી હતી.
બેંક કર્મચારીની સતર્કતા અને સાયબર ક્રાઇમનું સમયસર રેસ્ક્યૂ
ઠગાઈનો આ પ્રયાસ ત્યારે નિષ્ફળ ગયો જ્યારે ગભરાયેલું વૃદ્ધ દંપતી પૈસા અને સોનાની વ્યવસ્થા કરવા એક્સિસ બેંકની શાખામાં પહોંચ્યું હતું. બેંકના એક જાગૃત કર્મચારીએ દંપતીને ભારે ગભરાયેલા જોતાં તેમને શંકા ગઈ હતી. તેમણે સમય સૂચકતા વાપરી તાત્કાલિક સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા જોઈને સાયબર ક્રાઇમની ટીમ તુરંત બેંક પહોંચી હતી અને દંપતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. પોલીસે તેમને આશ્વાસન આપ્યું કે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અને કોઈ કાનૂની કાર્યવાહી થવાની નથી. આમ, બેંક કર્મચારી અને પોલીસની સક્રિયતાથી દંપતીનું સોનું અને રોકડ રકમ સુરક્ષિત રહી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેંકો અને પોલીસને મહત્વપૂર્ણ સૂચના
નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે નાયબ મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બેંક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે પોલીસ અને બેંકો વચ્ચે વધુ સંકલન સાધીને ત્વરિત સહાય પૂરી પાડવા અને આવા ગુનાઓ અટકાવવા કડક નિર્દેશ આપ્યા છે.
પોલીસની નાગરિકોને ખાસ અપીલ
પોલીસે વરિષ્ઠ નાગરિકોને "ડિજિટલ અરેસ્ટ" સ્કેમથી અત્યંત સતર્ક રહેવા અપીલ કરી છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પોલીસ કે સરકારી એજન્સી ક્યારેય પણ વિડીયો કોલ દ્વારા તપાસ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. જો કોઈ વ્યક્તિ આવા ફેક કોલ કરે તો ગભરાયા વગર તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સંપર્ક કરવો.
