Sabarkantha: સાબરકાંઠામાં ભાજપનો ઉમેદવાર બદલવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. સાબરકાંઠા ભાજપના જ કાર્યરોએ ઉમેદવાર વિરુદ્ધ વિરોધ યથાવત રાખ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ આયાતી ઉમેદવાર બદલવાનાપોસ્ટ કાર્ડ લખી વિરોધ નોંધાવ્યો હતો.
સાબરકાંઠા ભાજપ કાર્યાલય પર કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. ભાજપના ખેસ સાથે ભાજપના નારાજ કાર્યકરો પહોંચ્યા હતા. વિરોધ ડામવા માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અગાઉ દરમિયાનગીરી કરી ચૂક્યા છે છતાં વિરોધ ઓછો થઇ રહ્યો નથી.
પોસ્ટકાર્ડ લખી વિરોધ નોંધાવ્યો
ઉમેદવારના વિરોધને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને તેઓએ પોસ્ટ કાર્ડ લખી ઉમેદવાર બદલવા માટેની માંગ કરી હતી. પોસ્ટકાર્ડમાં ‘આયાતી ઉમેદવાર બદલો’ ના લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
સાબરકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધને ડામવા માટે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પ્રયાસ કરી ચૂક્યા છે પરંતુ આ વિરોધ અટકી રહ્યો નથી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી હતી. અને વન ટૂ વન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. હવે આ મુદ્દે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને લોકસભા બેઠકની ટિકીટ આપી હતી, જોકે, અટકને લઇને વિવાદ થતાં બાદમાં ઉમેદવાર બદલીને શોભના બારૈયાને ટિકીટ આપી હતી. બેઠક પર બે વાર ઉમેદવારો બદલાયા છતાં વિવાદ શમતો નહતો, જેને લઇને હવે સીએમ પટેલ એક્શનમાં આવ્યા અને આજે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને પક્ષના તમામ નેતાઓ, ધારાસભ્યો અને આગવાનોને બોલાવીને બેઠક કરી હતી, જેમાં સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી હતી કે, સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાશે નહીં, પક્ષના તમામ કાર્યકર્તાઓને સાથે મળીને એકજૂથ થઇને કામ કરવાનું છે.