Chhota Udepur : ગાંધીના ગુજરાતમાં દારૂના દુષણને દૂર કરવા છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના નસવાડી (Naswadi) તાલુકાના સરપંચો મેદાને આવ્યા છે. એક પંચાયતે તો દારૂના વેપલો કરતા તેમજ ચૂંટણીમાં દારૂનું વિતરણ કરતાં ઈસમોને રૂપિયા 5.51 લાખના દંડનો નિયમ બનાવી ઠરાવ પસાર કર્યો છે.
સિંધીકુવા ગ્રામ પંચાયતનો પ્રસંશનીય ઠરાવ
એકબાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તો બીજી તરફ ઠેર ઠેર દારૂ મળતો હોવાનું સામે આવે છે. દારૂની બદીને ડામવા નસવાડી તાલુકાના સરપંચો આગળ આવ્યા છે. સિંધીકુવા પંચાયતે તો ઠરાવ પસાર કરી જો ગામમાં કોઈ દારૂનો વેપલો કરશે અથવા ચૂંટણીમાં કોઈ દારૂનું વિતરણ કરશે તો તેમની પાસેથી રૂપિયા 5.51 લાખ દંડ વસૂલવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. સરપંચ અને ગ્રામજનોનું કહેવું છે કે દારૂના સેવનથી અનેક પરિવાર બરબાદ થઈ ગયા અને ઘરમાં એક દારૂડિયો હોય તો ઘરના તમામ સભ્યોને વેઠવું પડે છે એમાં પણ ખાસ કરીને મહિલાઓની હાલત કફોડી બને છે. દારૂને ડામવા સરપંચના નિર્ણયને ગ્રામજનો વખાણી રહ્યા છે
10 ગ્રામ પંચાયતોએ મામલતદારને કરી રજૂઆત
સિંધીકુવા પંચાયતની પહેલ બાદ વધુ 10 ગ્રામ પંચાયતોના સરપંચો પણ જાગૃત થયા અને નસવાડી તાલુકાની 10 ગ્રામ પંચાયતમાં આવતા 30 જેટલા ગામડાઓમાં દારૂ, જુગાર, આંકડાની બદી બંધ કરાવવા નસવાડી મામલતદારને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપી ગામડાઓમા પોલીસના કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ઉજાગર કરી છે.
પોલીસે સરપંચો સાથે કરી બેઠક
દારૂના દુષણ સામે સરપંચોના અભિયાનને લઈ જિલ્લા પોલીસ પણ સફાળી જાગી છે અને નસવાડીના તણખલા આઉટ પોસ્ટમાં નાયબ પોલીસ અધિક્ષકે સરપંચો અને આગેવાનો સાથે બેઠક કરી છે. નાયબ પોલીસ અધિક્ષકે પોતાનો મોબાઈલ નંબર બેઠકમાં હાજર તમામ સભ્યોને આપી દારૂ અડ્ડાઓ વિશે સીધી માહિતી આપવા આહવાન કર્યું છે