હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં બે દિવસ ઠંડીનું જોર રહેશે. ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડીને 9.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે.


હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે બે દિવસ બાદ ફરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને ઠંડીનું જોર ઘટશે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 8.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે તો ડિસામાં ઠંડીનો પારો 8.8 ડિગ્રી, રાજકોટમાં 9.6 ડિગ્રી, કેશોદમાં આઠ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

બીજી બાજુ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં સતત વરસી રહેલી હિમવર્ષા જનજીવનને માઠી અસર પહોંચાડી રહી છે. સતત વરસી રહેલી હિમવર્ષાથી સતત ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. તો હિમ વર્ષા નવા નવા રેકોર્ડ પણ સર્જી રહ્યું છે.