Shankar Chaudhary: એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરી ના રાજકારણમાં વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીનો દબદબો યથાવત્ રહ્યો છે. તેમની સતત ત્રીજીવાર બિનહરીફ ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. આ સાથે જ, ભાવાભાઈ રબારી ને પણ સર્વાનુમતે વાઇસ ચેરમેન પદે રિપીટ કરવામાં આવ્યા છે. આ બંને નેતાઓ આગામી અઢી વર્ષ માટે પોતાના હોદ્દાઓ પર યથાવત્ રહેશે. આ વરણીમાં 16 માંથી 15 બેઠકો બિનહરીફ રહી હતી, જે શંકર ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોનો અતુટ વિશ્વાસ દર્શાવે છે. બનાસ ડેરી તેમના નેતૃત્વમાં માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં પ્રગતિ કરીને પશુપાલકોને પ્રતિ કિલો ફેટના સૌથી વધુ ભાવ ચૂકવી રહી છે.

Continues below advertisement

બનાસ ડેરીના વહીવટમાં નેતૃત્વ યથાવત્

ગુજરાત રાજ્યના રાજકારણમાં અને સહકારી ક્ષેત્રે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયાની સૌથી મોટી ડેરીઓમાંની એક એવી બનાસ ડેરી ના ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી ની ફરી એકવાર વરણી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય એવા શંકર ચૌધરીની આ વરણી સતત ત્રીજીવાર બિનહરીફ થઈ છે. આ સર્વસંમતિ દર્શાવે છે કે ડેરીના નિયામક મંડળ અને લાખો પશુપાલકોને તેમના નેતૃત્વમાં અદમ્ય વિશ્વાસ છે. ચેરમેન ઉપરાંત, વાઇસ ચેરમેન પદે પણ ભાવાભાઈ રબારી ને રિપીટ કરવામાં આવ્યા છે. આ બંને મુખ્ય પદાધિકારીઓ આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે પોતાના હોદ્દાઓ પર યથાવત્ રહેશે.

Continues below advertisement

નિયામક મંડળની ચૂંટણી: માત્ર એક બેઠક પર જ યોજાઈ ચૂંટણી

શંકર ચૌધરીનો દબદબો માત્ર ચેરમેન પદ પૂરતો સીમિત નથી. આ વખતની નિયામક મંડળની ચૂંટણીમાં કુલ 16 બેઠકો પૈકી 15 બેઠકો તો બિનહરીફ થઈ હતી, જે સૂચવે છે કે શંકરભાઈના તમામ સમર્થકો ચૂંટણી જીતી ચૂક્યા છે. માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર શરૂઆતમાં પાંચ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી કેટલાકની ઉમેદવારી પરત ખેંચાતા ભાજપના સત્તાવાર ઉમેદવાર અમરતજી પરમાર અને દિલીપસિંહ બારડ વચ્ચે જંગ રહ્યો હતો, જેમાં આખરે અમરતજી પરમાર ડિરેક્ટર પદે વિજયી થયા હતા. આ પરિણામોથી ડેરીના વહીવટ પર શંકર ચૌધરીનો સંપૂર્ણ નિયંત્રણ અને પ્રભાવ સ્પષ્ટ થાય છે.

બનાસ ડેરીનો ભવ્ય ઇતિહાસ અને શંકર ચૌધરીનું યોગદાન

બનાસ ડેરી ની સ્થાપના સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી, જેઓ ડેરીના પ્રથમ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ અને પરથીભાઈ ભટોળ (જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા) જેવા નેતાઓએ ડેરીનું નેતૃત્વ કર્યું. છેલ્લા 10 વર્ષ થી ડેરીનું સુકાન શંકર ચૌધરીના હાથમાં છે, જેમના નેતૃત્વમાં બનાસ ડેરીએ અભૂતપૂર્વ વિકાસ અને સિદ્ધિઓ હાંસલ કરી છે. બનાસ ડેરીએ ગુજરાત પૂરતું સીમિત ન રહેતા તેનો કાર્ય વિસ્તાર દેશના 8 રાજ્યો માં ફેલાવ્યો છે.

સિદ્ધિઓ અને પશુપાલકોને મળતો લાભ

બનાસ ડેરી આજે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં જાણીતું નામ બની ગઈ છે. તેનું વાર્ષિક ટર્ન ઓવર ₹15 હજાર કરોડ થી વધુ છે અને તેની સાથે 3 લાખ 76 હજાર સભાસદો જોડાયેલા છે. શંકર ચૌધરીના નેતૃત્વની મુખ્ય સિદ્ધિઓમાંની એક એ છે કે બનાસ ડેરી તેના પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ના સૌથી વધુ ભાવ અને ભાવ ફેર ચૂકવે છે. આના કારણે દરરોજ આશરે ₹35 કરોડ ની રકમ સીધી પશુપાલકોના ખાતામાં જમા થાય છે. ડેરીમાં દિવસનું 80 લાખ લીટર દૂધ એકત્ર થાય છે. આ ઉપરાંત, ડેરીએ ગોબરમાંથી CNG ગેસ પ્લાન્ટ ની સંકલ્પનાને સાર્થક કરી છે અને 350 ટન મધનું ઉત્પાદન કરીને 'શ્વેતક્રાંતિ' ની જેમ 'સ્વીટક્રાંતિ' માં પણ યોગદાન આપ્યું છે. પશુપાલકોના સહયોગથી દેશની પ્રથમ મેડિકલ કોલેજ નું નિર્માણ કરવું એ પણ બનાસ ડેરીની એક મોટી સિદ્ધિ છે.