અમદાવાદ: રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે સુઓ મોટુ લીધેલી જાહેર હિતની અરજી પર ગણતરીની મિનિટોમાં સુનાવણી શરૂ થશે. રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂ સહિતના અનેક પ્રયત્ન કર્યા છતાં સંક્રમણ કાબૂમાં નથી. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 5 હજાર 469 કેસ અને 54 લોકોના મોત થયા છે. એવામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ જોતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ હોવાનું અવલોકન કર્યું છે. આ અંગે 11 વાગ્યે સુનાવણી શરૂ થશે અને તેમા નિર્ણય લેવાશે.
કોરોના કારણે રાજ્યમાં ઉભી થયેલી પરિસ્થિતિના મુદ્દાને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ગણી છે અને કેંદ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા કોર્ટે આદેશ કર્યો છે. એટલું જ નહીં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું હાઈકોર્ટનું તારણ છે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની સ્થિતિને જોતાં રાજ્યમાં લોકડાઉન કે કર્ફ્યૂ જાહેર કરવા માટે નિર્દેશ કર્યો હતો. જે બાદ ગુજરાતની રૂપાણી સરકારે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે લોકડાઉન લાગુ કર્યું ન હતું અને નાઈટ કરફ્યૂ રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કરી દીધું હતું.
કોરોનાની નિરંકુશ નવી લહેર અને વ્યવસ્થાપનના ગંભીર મુદ્દાઓને ટાંકી સુઓમોટોની સુનાવણી કરવામાં આવે તે જરૂરી છે. કોરોના વ્યવસ્થાપન સાથે જોડાયેલા ટોંચના અધિકારીઓને સુનાવણીનું પ્રસારણ જોવા માટે હાઈકોર્ટે સૂચન કર્યુ છે.