સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો એક વીડિયો સામે આવ્યા છે. કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરીનો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. આ મામલે થરા પોલીસે દિવ્યા ચૌધરી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે.
કાંકરેજ તાલુકાના થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરાયો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં માસ્ક વગર અને લોકોની ભીડ એકત્રિત કરી સરેઆમ કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું.
દિવ્યા ચૌધરીએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જો કે, સામાન્ય નાગરિક માસ્ક વગર પકડાય છે ત્યારે તેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યા છે પરંતુ જ્યારે આવા લોકો પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
સિંગર દિવ્યા ચોધરી ,વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકરભાઈ રાજાભાઈ ચોધરી અને કેટરિંગના સંચાલક પરેશ નાગજીભાઈ ચોધરી સામે પોલીસે ફરિયાદ નોંધી છે. થરા પોલીસે જાહેરનામાં ભંગ મુદ્દે ગુનો દાખલ કર્યો છે.
રાજ્યમાં ગઈકાલે 1871 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 35403 પર પહોંચ્યો છે. જેમાંથી 521 દર્દી વેન્ટિલેટર પર અને 34882 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.40 ટકા છે.
કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. જ્યાં ગઈકાલે નવા કેસના સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં પાટણમાં 8, છોટા ઉદેપુરમાં 5, તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, દાહોદમાં 2, મોરબીમાં 2 અને ડાંગમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે આ સાત જિલ્લામાંથી માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાટણમાં 36, છોટા ઉદેપુરમાં 10, તાપીમાં 16, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 106, મોરબીમાં 14 અને ડાંગમાં 15 લોકો એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા હતા.