ધો. 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું. ધો. 12 સાયન્સમાં 29.29 ટકા અને સામાન્ય પ્રવાહનું 62.72 ટકા પરિણામ જાહેર થયું છે. પ્રથમ વખત રાજ્યમાં પૂરક પરીક્ષાનું આટલું ઊંચું પરિણામ આપવામાં આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 41 હજાર 167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37 હજાર 457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 23 હજાર 494 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 62.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
વિદ્યાર્થીનીઓનું પરિણામ 68.93 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 58.86 ટકા આવ્યું છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણે પાસ કરવામાં આવે છે તેવા 29 વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે. 12 વિજ્ઞાન પ્રવાહમાં 14 હજાર 039 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 12 હજાર 250 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3 હજાર 588 વિદ્યાર્થીઓ પાસ થયા હતા એટલે 29.29 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
વિદ્યાર્થીનીઓનું પરિણામ 31.03 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 30.21 ટકા આવ્યું છે. 10 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે.
ગઈકાલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઇ પૂરક-૨૦૨૨ પરીક્ષાનું પરિણામ તારીખ 4થી ઓગસ્ટ 2022ના રોજ સવારે 8 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18 જુલાઈના રોજ સાયન્સ પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી. જેમાં એક વિષય અથવા તો બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષામાં 13,500 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેવી જ રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 18થી 20 જુલાઈની વચ્ચે કોમર્સ પ્રવાહ એટલે કે સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી.
જણાવી દઈએ કે, એક કે બે વિષયમાં ફેલ થનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે હેતુથી પૂરક પરીક્ષા લેવામાં આવે છે. શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષા લેવાઈ હતી.