ગાંધીનગર: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય. તેમણે જણાવ્યું કે, રિપીટર માટે જાહેર કરવામાં આવેલો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે. આ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને પત્ર લખી રિપીટરની પરીક્ષા રદ કરવા માંગ કરી હતી. આ માંગનો છેદ ઉડાવતા શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહી દીધું કે, રિપીટરની પરીક્ષા નક્કી થયેલી તારીખે યોજાશે. 


મહત્વનું છે કે, કોરોનાનું સંક્રમણ ઘટતા શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. શાળાઓ તબક્કાવાર ક્યારથી શરૂ કરવી તેનો નિર્ણય સરકારની કોર કમિટી કરશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, શરૂઆતમાં કોલેજ શરૂ કરવા અંગે વિચાર કરવામાં આવશે. 


રાજ્યમાં સ્કૂલ અને કોલેજ ફરી ખોલવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે  શાળા કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ગત વર્ષની જેમ આ વર્ષે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે. પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ 9,8,7 અને 6 ધોરણ મુજબ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગત્ત વર્ષના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી બંધની સ્થિતિમાં છે. 


રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના હવે લગભગ કાબુની સ્થિતીમાં છે. શાળો કોલેજો શરૂ કરવા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. પ્રથમ કોલેજ ત્યાર બાદ ધોરણ 12થી માંડીને ધોરણ 1 સુધીનાં વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે.