નર્મદા જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. નિલેશ દુબેએ બે દિવસ પહેલા આદિવાસી સમાજ બાબતે ટિપ્પણી કરી હતી જેની સામે પગલાં લઈ આજે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ફરજ મોકૂફ દરમ્યાન મુખ્ય મથક કલેકટર કચેરી ભાવનગર રહેશે.


આદિવાસી સમાજ અંગે કરી હતી ટિપ્પણી 
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ સીઈઓ અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો.નાયબ કલેક્ટર નિલેશ દુબેએ CISFના અધિકારી સાથે વાતો કરીને આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતી ઓડિયો ક્લિપ વાયરલ થતા આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપી અધિકારી સામે પગલા ભરવાની માંગ કરી હતી. તેમની આ ટિપ્પણી બદલ  આદિવાસી સમાજમાં રોષ ફેલાતા કેવડિયા બંધનુ એલાન પણ આપવામાં આવ્યુ હતું.


ઓડિયો એડિટ કરીને ચલાવાયો : નિલેશ દુબે 
તેમના પર લાગેલા આરોપો અનેગ પ્રતિક્રિયા આપતા નિલેશ દુબેએ જણાવ્યું હતું કે અધુરો ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે, જો પૂરો ઓડીયો બહાર આવે તો સત્ય સામે આવે. મારી ભાવના કોઈ એક જાતિ માટે ન હતી.  કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે કેટલાક વિધ્નસંતોષીઓ સમાજને ગેરમાર્ગે દોરવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.
 
રાજપીપળામાં નિલેશ દુબેનું પૂતળું સળગાવાયું 
કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેના પૂતળાનું દહન કર્યું હતું. દેખાવકારોએ માંગ કરી હતી કે સરકાર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધે અને નિલેશ દુબે આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે, સરકાર નિલેશ દુબેને સસ્પેન્ડ કરે.