'DJ બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે'- બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લીધા
Vikram Thakor: ક્ષત્રિય ઠાકોર સમાજે ગત 4થી જાન્યુઆરીના દિવસે ઓગડનાથ ધામમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ જાહેર કર્યુ હતુ

Vikram Thakor: છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણને લઇને વિવાદ શરૂ થયો છે. બનાસકાંઠાના જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરે ડીસાના જાબડીયા ગામમાં ડીજે સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો હતો, જે પછી વિવાદ થતાં બન્ને કલાકારોને નાત બહાર મુકી દેવામાં આવ્યા હતા. જોકે, હવે આ સમગ્ર મામલે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે પણ સવાલો ઉઠાવ્યા છે. બનાસકાંઠાના એક કાર્યક્રમમાં સમાજના આગેવાનો પર ચાબખા માર્યા, તેમને કહ્યું કે, આગેવાનોને ખબર નથી પડતી કે ડીજે શું છે, કલાકારો અને બીજા કેટલાય લોકો બંધારણના કારણે બેરોજગાર થઇ જશે. તેનો રસ્તો કાઢવો જોઇએ.
ક્ષત્રિય ઠાકોર સમાજે ગત 4થી જાન્યુઆરીના દિવસે ઓગડનાથ ધામમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ જાહેર કર્યુ હતુ. જેમાં મોટા મોટા રાજકારણી અને સમાજના આગેવાનોએ હાજરી આપી હતી, હવે આ 16 મુદ્દાના બંધારણનું ઉલ્લંઘન બનાસકાંઠાથી થયુ હતુ. જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરે ડીજે સાથે વરઘાડો કાઢ્યા બાદ સમાજની મીટિંગ મળી અને બન્નેને એક વર્ષ માટે સમાજ બહાર મુકી દેવામાં આવ્યા હતા. હવે આ મુદ્દે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે બંધારણ અને સમાજના આગેવાનોને આડેહાથ લીધા છે.
હાલમાં ઠાકોર સમાજના બંધારણ સામે સમાજના કલાકારોએ જ મોરચો માંડ્યો છે. વિક્રમ ઠાકોરે ડીજે પરના પ્રતિબંધને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, બનાસકાંઠાના એક કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, સમાજનું બંધારણ બનાવનારાઓને ડીજે શું છે તે જ ખબર નથી પડતી, ડીજે વગાડશો તો બંધા ભેગા થશે, નાચશે અને દારુ પીશે તેવો આગેવાનનો દાવો ખોટો છે, તમે ઢોલ વગાડશો તો પણ ભેગા થશે દારુ પીશે અને ઝઘડો કરશે.
વિક્રમ ઠાકોરે ડીજે બંધ કરવાથી સુધારો આવવાની વાતને ઠેરવી ખોટી છે. જાહેરમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, ડીજે બંધ કરાવતા ડીજેના કલાકારો ઘરે બેસી ગયા અને બેરોજગાર થયા છે, આ બધાને રોજગાર આપો. મેં આ અંગે સાંસદ ગેનીબેનને પણ વિનંતી કરી હતી. બંધારણની રચના કરનારા બધા મોટા માણસો છે એટલે ડીજેની ખબર નથી પડતી.























