સુરેન્દ્રનગરઃ લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. લીંબડી વિશ્રામ ગૃહ નજીક અકસ્માત સર્જાયો હતો. હાઇવે ઉપરના કામને લીધે રસ્તા પર પડેલા પથ્થર સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અન્ય બે વ્યક્તિઓ સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટના પરીવારને અકસ્માત નડ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશના કુક્ષી થી 14 શ્રમિકને લઇને સુરત જતી ક્રુઝરનો ગંભીર અકસ્માત થયો છે. નસવાડી તાલુકાના પલાસની ગામ પાસે વળાંક પર કાબુ ગુમાવતા ગાડી બ્રિજની નીચે પડી હતી. જીપમાં સવાર 15 માંથી 4 વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ છે. ચારે વ્યક્તિઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર અર્થે ખસેડાયા છે.
ઘોઘંબાઃ પંચમહાલમાં ઘોઘંબાના રણજીતનગર નજીકની GFL કંપનીમાં બ્લાસ્ટ થયો છે. પંચમહાલના ઘોઘંબામાં કંપનીમાં થયેલા વિસ્ફોટમાં બેથી વધુ લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી અનુસાર સોલવંટ બનાવતા પ્લાંટમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરંતુ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ થતા તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાસ્થળથી અંદાજે પાંચ કિલોમીટર સુધી લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને 6 એંબ્યુલંસ ઘટનાસ્થળે પહોંચી છે. પાંચ કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ઘટનાને પગલે બે કામદારોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક કામદારોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મુખ્યમંત્રીએ બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી હતી.