સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શાળાના હોસ્ટેલમાં પીરસવામાં આવેલા ભોજન બાદ અંદાજે 200 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમને તાત્કાલિક વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી
માહિતી મુજબ વિદ્યાર્થિનીઓએ શાળામાં બપોરનું ભોજન લીધા બાદ અચાનક ઉલટી, પેટમાં દુઃખાવો અને ચક્કર આવવાની ફરિયાદ શરૂ કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત બગડતાં શાળા તંત્રએ તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચાડી તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને લીંબડી, સુરેન્દ્રનગર સહિતની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં 20થી વધુ વિદ્યાર્થિનીઓને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે સવારે બનાવવામાં આવેલી ખીર બપોરે ભોજનમાં પીરસવામાં આવી હતી. ખીર ખાધા બાદ જ મોટાભાગની વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
વાલીઓમાં રોષ
આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે શાળા સંચાલન સામે આક્રોશ વ્યક્ત કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાલીઓએ વિદ્યાર્થિનીઓના આરોગ્ય સાથે થયેલી બેદરકારીને ગંભીર ગણાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાંસદ ચંદુભાઈ શિહોરા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા નાયબ કલેક્ટર તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ચુડા અને હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સારવાર લઈ રહેલી વિદ્યાર્થિનીઓની મુલાકાત લઈને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી તેમજ હોસ્પિટલ પ્રશાસનને તમામ જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.
ફૂડ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી
ઘટના બાદ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગે તપાસ હાથ ધરી છે. હોસ્ટેલના રસોડામાંથી પીરસાયેલ ભોજન, ખાસ કરીને ખીર તેમજ દૂધના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટના આધારે ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
