Surendranagar flood update: શુક્રવાર અને શનિવારે ખાબકેલા ધોધમાર વરસાદે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી અને નદીના પાણી ઘૂસી જતાં ચારેકોર 'જળકર્ફ્યુ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાટડી અને લખતર તાલુકાના રાજપર, છારદ તેમજ ઓળક જેવા ગામો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. ક્યાંક મકાનો ધરાશાયી થયા છે, તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાતા પાક ધોવાઈ ગયો છે. આ આફત વચ્ચે તંત્રની નબળી કામગીરીને લઈને ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
સૌથી પહેલા વાત કરીએ પાટડી તાલુકાના રાજપર ગામની, તો અહીં ડ્રોન કેમેરાના દ્રશ્યો બયાન કરી રહ્યા છે કે પરિસ્થિતિ કેટલી ભયાવહ છે. ભારે વરસાદના કારણે ગામના 80 થી વધુ મકાનોમાં પાણી ફરી વળ્યા છે, જેના લીધે લોકોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થવું પડ્યું છે. સૌથી માઠા સમાચાર તો એ છે કે રામદેવ જમોલ વિસ્તારમાં 5 જેટલા મકાનો ધરાશાયી થઈ ગયા છે. સદનસીબે, મકાન પડતા પહેલા જ લોકો સમયસર બહાર નીકળી ગયા હોવાથી કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
બીજી તરફ, લખતર તાલુકાનું છારદ ગામ પણ ઉમાઈ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામમાં બનેલી નવી સ્કૂલ અને તેના કમ્પાઉન્ડમાં પાણીનું એવું સામ્રાજ્ય છવાયું છે કે જાણે કોઈ નદી વહેતી હોય. વરસાદી પાણીમાં સ્કૂલના બાંધકામનો સામાન પણ તણાઈ ગયો છે. સ્કૂલનું શૌચાલય, રસોડું અને મુખ્ય બિલ્ડિંગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોનો સીધો આરોપ છે કે સ્કૂલ નીચાણવાળા વિસ્તારમાં બનાવી હોવાથી જ આ હાલત થઈ છે. ગામના અન્ય નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થતાં લોકોનું જનજીવન ખરાબ રીતે ખોરવાયું છે. અનેક ઘરોમાં નદીના પાણી ઘૂસી જવાથી ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે, જેથી ઘણા પરિવારોને પોતાના સગા-સંબંધીઓને ત્યાં આશરો લેવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
આ પરિસ્થિતિને લઈને ગ્રામજનોમાં પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે પાણીના નિકાલ માટે કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. ગ્રામજનોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે ગામની આસપાસ જે નાળા બનાવવામાં આવ્યા છે તે ખૂબ જ નાના છે, જેનાથી પાણીનો પૂરતો નિકાલ થઈ શકતો નથી. આ સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
વરસાદી કહેરથી ખેડૂતો પણ બાકાત રહ્યા નથી. છારદ અને ઓળક ગામ વચ્ચે આવેલા ખેતરો તો જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કપાસ, એરંડા, તલ અને શાકભાજી સહિતનો વાવેલો આખો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેતરો બેટમાં ફેરવાતા પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હોવાની ખેડૂતો ચિંતા અને વ્યથા ઠાલવી રહ્યા છે. બિયારણ અને વાવણી પાછળ કરેલો ખર્ચ પાણીમાં જતાં હવે તેઓએ સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ કરી છે. એટલું જ નહીં, ખેડૂતોનો એવો પણ ગંભીર આરોપ છે કે ધોલેરાને પાણી પૂરું પાડવા માટે જે ચેકડેમ પ્રોજેક્ટ બની રહ્યો છે, જો તે પૂરો થઈ જશે તો ભવિષ્યમાં પાણી ભરાવાની આ સ્થિતિ વધુ વિકટ બનશે.
આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
