સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં સાયલા તાલુકાના આયા ગામના પાટિયા પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના આયા ગામના પાટિયા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગરની પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂની ૮ હજાર ૩૮૮ બોટલો જપ્ત કરી હતી. જેની કિંમત અંદાજીત ૩૧.૭૫ લાખ થાય છે. સાથે જ ટ્રક, મોબાઈલ, રોકડ સહિત કુલ 39.82 લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે આ મામલે જયકિશન જયનારા નામના ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.


Rajkot: 10 વર્ષ પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવેલા 13 લોકોને મળી ભારતની નાગરિકતા, કહ્યું, આજે અમને...


રાજકોટ: પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમા નિવાસ કરતા ૧૩ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ "કેમ છો બધા?" કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૩ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહયા છે. 


રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું


આ પ્રસંગે મંત્રીએ મોઢું મીઠું કરાવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા ૧૩ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં રહેતા ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો. તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે.જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.


આ કાર્યક્રમમાં મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારિયા,ધારાસભ્ય દર્શિતાબેન શાહ,ઉદય કાનગડ,રમેશ ટીલાળા,કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. જા યાદવ, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને અગ્રણી કમલેશ મીરાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા