Surendranagar: સુરેન્દ્રનગરના ચોટીલા- રાજકોટ હાઈવે પર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા ત્રણ જણાના મોત થયા હતા. મૃતકોમાં એમ્બ્યુલન્સના ચાલકનો પણ સમાવેશ થાય છે.
ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ રાત્રીના આપા ગીગાના ઓટલા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એમ્બ્યુલન્સ સાથે ટ્રક ટકરાઇ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક વિજય બાવળિયા તથા તેમાં સવાર 18 વર્ષીય પાયલ મકવાણા અને 45 વર્ષીય ગીતાબેન મિયાત્રાનું મોત થયું હતું. ચોટીલાથી દર્દીઓને લઈ એમ્બ્યુલન્સ રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજ્યમાં ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામા આવી હતી. પરંતુ રાજ્યમાં ધૂળેટીના તહેવારની ઉજવણી જીવલેણ બની છે. રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ સાત ઘટનાઓમાં કુલ 10 લોકોના મોત થયા છે. બનાસકાંઠામાં બે, મહિસાગરમાં એક અને ભાવનગરમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ખેડાના વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓ મોત થયા છે.ગાંધીનગરમાં બે યુવકો ડૂબ્યા છે જેમાં એકની લાશ મળી આવી છે.
બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત
બનાસકાંઠા જિલ્લામાં ધૂળેટીની ઉજવણી વચ્ચે દુખદ સમાચાર છે. બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. યુવકો ધૂળેટીનો પર્વ મનાવી નાહવા માટે નદીમાં આવ્યાનું પ્રાથમિક અનુમાન છે.
મૃતક મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ બંને યુવકો ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોને બન્ને યુવકોની લાશને બહાર કાઢી હતી. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરીહતી.
ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણના મોત
વિદ્યાનગરની એમ.વી.પટેલ કોલેજના 12 વિદ્યાર્થીઓનું ગ્રૂપ વડતાલ આવ્યું હતું. જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ ખેડાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં નાહવા ગયા હતા. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા હતા. બે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને કરતા તાત્કાલિક એક ટીમ ત્યાં પહોંચી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
ભાવનગરમાં ત્રણ લોકોના મોત
ભાવનગર તળાજા તાલુકાના મણાર ગામનાં ભાખલ વિસ્તારમાં ત્રણ યુવાનો ચેકડેમમાં ડૂબ્યા હતા. મુકેશ મકવાણા, રવિ મકવાણા તેમજ અન્ય રવિ કુડેચાનું ડૂબી જવાથી મોત થયું છે. ધુળેટીના પર્વ પર ચેકડેમમાં ડૂબી જતા આ દુર્ઘટના બની છે. મૃતકનાં પરિવારમાં બનાવને લઈ માતમ છવાયો છે. ફાયર વિભાગ દ્વારા ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી એક સાથે મોત નીપજતા ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.