ખેડા: જીલ્લાના બિલોદરા અને બગડું ગામમાં 5 લોકોના શંકાસ્પદ મોતથી ચકચાર મચી જવા પામી છે. નડિયાદના બીલોદરા ગામે બે દિવસમાં 3 લોકોના શંકાસ્પદ મોત થયા છે જ્યારે મહુધા તાલુકાના બગડુ ગામે પણ 2 લોકોના શંકાસ્પદ મોત થયા છે. આ અંગે એક મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું કે, ઘરે આવ્યા અને માથામાં દુખાવો થયો, પરેસેવો વળી ગયો, અને ત્યાર બાદ મોંમાંથી ફીણ આવી ગયા. જે બાદ દવાખાને લઈ ગયા જ્યાં ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા. જે બાદ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.
હાલમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાંચ વ્યક્તિઓના શંકાસ્પદ મોતથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો બીજી તરફ શંકાસ્પદ પીણુ પીવાથી મોત થયાની લોકોમાં ચર્ચા છે. આ મોતથી લોકોના મુખે કથિત લઠ્ઠાકાંડની વાતો ચગડોળે ચઢતા મામલો ગરમાયો છે. જોકે પોલીસ સહિત તંત્રના હાથે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જણાવ્યું છે. મૃતકનુ યોગ્ય દેખરેખ હેઠળ પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ થાય તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે.
રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં જૈન વિજય ફરસાણના યુવા વેપારીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતુ. જૈન વિજય ફરસાણ વાળા રસિકભાઈના પુત્ર સુમિત (ઉ.વ 24)નું મોત થતાં પરિવારજનો અને વેપારીવર્ગમાં શોકનો માહોલ છવાયો છે. યુવા વેપારીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. જોકે મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ પી.એમ. બાદ જ સામે આવશે.
ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે કે શું કોવિડ વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ છે? તે અંગે રિસર્ચ કરાયું હતું. ICMRએ કહ્યું કે ભારતમાં કોવિડ -19 રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. કોવિડ-19 પહેલા હોસ્પિટલમાં દાખલ થવાથી, પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કેસો અને જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી ગઈ છે. જોકે તેમ છતાં રાજ્યમાં રોજના સરેરાશ ત્રણથી ચાર મોત થતાં આ રિસર્ચ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.