સનાતન ધર્મના વિરોધીઓ પર મોરારી બાપુ ગિન્નાયા, 'તેમના ધર્મસ્થાનો પર ના જતાં, બહુ પાખંડ ચાલી રહ્યું છે'
Swaminarayan Controversy News: રાજકોટ નજીક આવેલ સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી

Swaminarayan Controversy News: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સ્વામિનારાયણ સંતોનો પુરજોશમાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે. આનુ કારણ સ્વામિનારાયણ સંત દ્વારા અવારનવાર સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી ટિપ્પણીઓ છે. હાલમાં જ રાજકોટ નજીક આવેલ સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઇને હવે કથાકાર મોરારી બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે. મોરારી બાપુએ આર્જેન્ટિનામાં એક કથા દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોના બફાટ પર કટાક્ષ કર્યો છે.
હિન્દુ દેવી દેવતાઓ પર થઈ રહેલી ટિપ્પણીઓ પર વિવાદ વકર્યો છે, અને હવે કથાકાર મોરારી બાપુ દ્વારા જ્ઞાનપીઠ પરથી સનાતન ધર્મ પર ટિપ્પણી કરનારાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. મોરારી બાપુ વિદેશમાં આર્જેન્ટિનામાં એક કથા દરમિયાન સનાતન ધર્મના વિરોધીઓ પર વરસ્યા, તેમને કહ્યું કે, તમે સનાતન વિરોધીઓના ધર્મસ્થાનોમાં ક્યારે ના જતાં. સનાતન વિરોધી ધર્મસ્થાન પર જવા કરતા હાથી નીચે ચગદાઈ જજો. હવે બધાએ સમજી જવાનો સમય આવી ગયો છે. સત્ય હંમેશા સત્યા જ રહેશે. પાખંડ બહુ ચાલી રહ્યું છે. આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારી બાપુએ વધુમાં કહ્યું કે, જો થઈ શકે તો દિલ્લીમાં માનસ સનાતન ધર્મની કથા કરવી છે. સનાતન ધર્મ પર અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે. સનાતન ધર્મના લોકોએ પાંચ દેવોની પૂજા કરવી જોઇએ. પાંચ દેવોની નિંદા કરનારઓને સનાતનના વિરોધી ગણવા. નિંદા કરનારને સાથ આપનારા પણ સનાતન વિરોધી કહેવાય છે.
શું હતો સમગ્ર વિવાદ -
રાજકોટ નજીક આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા સંતો તેમજ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે. નિત્યસ્વરૂપદાસ નામનાં સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા છે. સ્વામિનારાયણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બનાવ્યા છે. તેત્રીસ કરોડ દેવતાઓનું ઝૂમખું બનાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણનાં અબજો મેનેજર છે. છેલ્લી ક્વૉલિટીનાં મેનેજર પાસે અબજો દાસ છે. શાખાઓ વધી ગઈ એમ દેવતાઓ બનાવ્યા છે. બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર છે. સ્વામિનારાયણને મેનેજર દેવી-દેવતાઓને વર્ણવ્યા છે. તેમજ હિન્દુ દેવી- દેવતાઓની તુચ્છ મેનેજર તરીકે ગણના કરી છે.
સ્વામીનારાયણ સંપ્રદાયનાં નિત્યસ્વરૂપ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ કચ્છનાં એકધામના મહંત યોગી દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપી છે. જેમાં 33 કરોડ દેવી-દેવતાઓનું અપમાન યોગ્ય નથી. વિનાશ નજીક આવી રહ્યો છે. મર્યાદામાં રહેવું જોઈએ, ટિપ્પણી યોગ્ય નથી. હવે ટિપ્પણી કરનારને જડબાતોડ જવાબ આપીશું. અંગ્રેજો આ લોકોને મૂકી ગયા છે. તમને કોને હક્ક આપ્યો છે.





















