Acharya Rakesh Prasad news: વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે હિન્દુ દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓને આકરી ફટકાર લગાવી છે. તેમણે આવા સાધુઓને મર્યાદામાં રહેવાનો આદેશ આપ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હિન્દુ દેવી દેવતાઓની નિંદા કરનારા સાધુઓ સમાજમાં કલેશ ઊભો કરે છે.
આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે જણાવ્યું હતું કે શ્રીજી મહારાજે પોતે શિવરાત્રી અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો ઉજવવાનું કહ્યું છે. એટલું જ નહીં, તેમણે દ્વારિકાની યાત્રા કરવી અને જગ્નનાથ ભગવાનનો પ્રસાદ આરોગવાની પણ આજ્ઞા કરી હતી. આચાર્યશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું આચરણ હિન્દુ ધર્મના મૂળ સનાતન રીતનું જ છે.
વધુમાં, આચાર્ય રાકેશપ્રસાદે દાન થકી કમાણીના આશયથી મંદિરો બાંધનારા સંપ્રદાયના લોકોને પણ સ્પષ્ટ આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક સાધુઓ અને હરિભક્તોમાં પ્રાઇવેટ મંદિર બાંધીને મોટા થવાનો મોહ જોવા મળી રહ્યો છે, જે યોગ્ય નથી.
આચાર્યએ શ્રીજી મહારાજે આપેલા મંત્રને બદલવાની કેટલાક લોકોની કૃતિ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે કેટલાકે શ્રી કૃષ્ણના મંત્રને બદલીને હરિકૃષ્ણ કરી નાખ્યો છે. આવા બદલાયેલા મંત્રની અસરકારકતા પર આચાર્ય રાકેશપ્રસાદે સવાલ ઉઠાવ્યા હતા.
આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ફરી એકવાર દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓને મર્યાદામાં રહેવાનો આદેશ આપ્યો છે અને સંપ્રદાયનું આચરણ હિન્દુ ધર્મના મૂળ સનાતનની રીતનું જ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે દાનના હેતુથી મંદિરો બાંધનારા લોકોને પણ આ બાબતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
વડતાલના આચાર્યના આદેશ સામે જ્યોતિર્નાથ મહારાજના આકરા સવાલ
વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી દ્વારા તેમના સંતોને દેવી દેવતાઓની નિંદા કરવા બદલ આપવામાં આવેલી કડક સૂચનાઓ બાદ હવે જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું છે. જ્યોતિર્નાથ મહારાજે આચાર્ય રાકેશપ્રસાદના પગલાં સામે આકરા સવાલો ઉઠાવ્યા છે.
જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે સમાજમાં આટલું વૈમનસ્ય ફેલાયું અને બધા સંતો મહંતોનું તથા દ્વારકાધીશનું અપમાન થયા બાદ હવે રાકેશપ્રસાદજી જાગ્યા છે. તેમણે આચાર્ય રાકેશપ્રસાદની કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દેવું અને જ્યારે પરિસ્થિતિ વણસે ત્યારે ખાનગીમાં સૂચનાઓ આપવી અને જાહેરમાં ફટકાર લગાવવાનો શું અર્થ છે?
જ્યોતિર્નાથ મહારાજે વધુમાં કહ્યું કે આ પ્રકારના નિવેદનો અને અપમાન કર્યા બાદ હવે જાગવાનો કોઈ મતલબ નથી. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વડતાલના આચાર્ય રાકેશપ્રસાદના તાજેતરના આદેશથી સંતુષ્ટ નથી અને તેમને આ પગલું લેવામાં વિલંબ થયો હોવાનું માની રહ્યા છે.