અમદાવાદઃ મોરારી બાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ધર્મવલ્લભનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વામી ધર્મવલ્લભ પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતાં જોવા મળ્યા, તેમણે પોતાના પ્રવચનમાં પાંડવોને વર્ણશંકર ગણાવ્યાં હતા. આ વીડિયો વાયરલ થયા બાદ આહિર સમાજ રોષે ભરાયો છે. જોકે હવે ધર્મવલ્લભદાસે આ મામલે ખુલાસો કર્યો છે.


વીડિયો વાયરલ થતા જ આહિર સમાજના યુવાનો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યાં અને વિરોધ નોંધાવ્યો હતો. આહિર સમાજના યુવાનો દ્વારા સ્વામી ધર્મવલ્લભ માફી માગે તેવી માંગ સાથે નારેબાજી કરવામાં આવી હતી. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ સાધુ ધર્મવલ્લભદાસે એક વીડિયોના માધ્યમથી એક જાહેર ખુલાસો આપીને કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી શ્રદ્ધા. તેમણે કહ્યું હતું કે હું જે બોલ્યો તે ભગવાન કૃષ્ણ વિશે દાનવ શિશુપાલે કહેલી વાત હતી અને હું ભક્તોને તેના માધ્યમથી સમજાવી રહ્યો હતો કે દાનવોએ ભગવાન કૃષ્ણ વિશે કેવા કેવા પ્રકારની ટિપ્પણીઓ કરી હતી.

જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કહી રહ્યાં છે કે “કૃષ્ણ ભગવાન હતા? પાંડવોએ પૂજ્યો, વર્ણશંકર એવા પાંચ પાંડવે પૂજ્યા એટલે ભગવાન થઈ ગયા. મધના પૂડા ઉખેડ્યાં એટલે મધુસૂદન કેવાયા શું ઉપમાં આપી છે. ગોવાળિયો છે લાકડી લઈને વાછરડા ચારતો હતો. આ પરંપરા ઉપરથી નીચે સુધી ચાલી આવી છે.”

જોકે બાદમાં તેમણે ખુલાસો કરતો એક વીડિયો જાહેર કર્યો જેમાં તેમણે કહ્યું કે, “વ્હાલા ભક્તજનો મારી કથાનો એક ટૂકડો છૂટો પાડી તેને રજૂ કરાયો છે એ અંગે ખુલાસો કરું છું. હું સુરત ગુરૂકુળમાં હતો ત્યારે વચનામૃત આપી રહ્યો હતો. એ વખતે જ્યારે મેં શિશુપાલે ભગવાન વિશે આપેલું નિવેદન હું બોલ્યો હતો. શિશુપાલ બોલ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નહોતા એ તો ગોવાળિયા હતા. પાંડવો વર્ણશંકર હતા. આવું શિશુપાલ બોલ્યો હતો તેના વિશે હું વચનામૃત આપી રહ્યો હતો. આથી કોઈ ભક્તો તેને અવળી રીતે ન લે. દરેક સ્વામીનારાયણ મંદિરમાં જનમાષ્ટમીના તહેવાર ઉજવાય છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. આથી કોઈ પણ ભક્તો આ બાબતને ખોટી રીતે ન લે તેવી પ્રાર્થના'