ગાંધીનગર:  ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ભીષણ ગરમી પડશે.  આવતીકાલથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે.  રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા સૂચન આપવામાં આવ્યું છે. 


હવામાન વિભાગના જણાવ્યા  અનુસાર આજે પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં  સીવીયર હીટવેવ રહેશે. જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં હીટવેવ રહેશે.  આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને સુરતમાં સીવીયર હીટવેવ રહેશે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતની વાત એ છે કે  આવતીકાલથી ગરમીમાં થોડો ઘટાડો થશે.  


હવામાન વિભાગના મતે પવનની દિશા બદલવાના કારણે આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે રાજ્યના 16 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે.  જે અમદાવાદ,  કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,  કેશોદ   ડીસા,   વલ્લભ વિદ્યાનગર   અને વડોદરા સૌથી ગરમ રહ્યા છે. આ   તમામ શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


'મોચા'  વાવાઝોડાનું સંકટ


ભારતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 'મોચા'  વાવાઝોડાનું સંકટ સક્રિય થતો જોવા મળે છે. હવામન વિભાગ અનુસાર, આજે આ વાવાઝોડું તોફાનની સ્થિતિમાં ફેરવાઈ શકે છે. પરિણામે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.


ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગઈકાલે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. આ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. સાથે જ 'મોચા' વાવાઝોડાના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે.


હવામાન વિભાગનું કહેવું છે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે અને ત્યાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અનુમાન છે કે, દક્ષિણપૂર્વ બંગાળમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થઈ શકે છે.