Veraval, Gir Somnath : ગીર સોમનાથમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. નાણાં વ્યાજે લેનારે 5.50 લાખ સામે  12 લાખ ચૂકવ્યાં છતાં વ્યાજખોરોએ ધમકી સાથે પઠાણી ઉઘરાણી કરી હતી. વ્યાજખોરોના આતંકથી પરેશાન પીડિત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોરો  સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 


વેરાવળ-સોમનાથ શહેરમાં ગેરકાયદેસર રીતે લાયસન્‍સ વગર ઘિરાણ આપી ઉંચું વ્‍યાજ વસુલતા વ્‍યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન વઘી રહ્યો હોવાથી અનેક પરિવારો બરબાદ થઇ રહ્યાંની વ્‍યાપક લોકચર્ચા થઇ રહી છે. એવા સમયે એક સામાન્‍ય પરિવારનો યુવાન વ્‍યાજખોરના ત્રાસથી વ્‍યથિત બની શરણે જતા પોલીસે કડક કાર્યવાહી કરી છે.


આ સમગ્ર કેસ અંગે પોલીસ દ્વારા  પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળની ભાલકા વૃંદાવન સોસાયટીમાં રહેતો અને બેટરી રીપેરીંગનું કામ કરતો કમલેશ ગોવિંદભાઇ ચૌહાણે  વર્ષ 2018 માં આર્થિક ભીડના લીધે ભીડીયામાં રામ મંદિરની પાછળ રહેતા અને વ્‍યાજે નાણા આપતો રોહીત પ્રભુદાસ ગોહેલ પાસેથી પ્રથમ તા.16/11/2018 ના રોજ રૂ.2 લાખ 5 ટકા વ્યાજે લીધેલ અને તેનું દર મહિને રૂ.10 હજાર વ્‍યાજ ચુકવી આપતો હતો. 


ત્યારબાદ તા.13/03/2019 ના રોજ વઘુ 2 લાખ 5 ટકાના વ્યાજે લીધેલ જેમાં સીકયુરીટી પેટે તેના મકાનની ફાઇલ આપી હતી. 


ત્યાર પછી ત્રીજી વખત તા.26/03/2019 ના વઘુ 1.50 લાખ 5  ટકાના વ્યાજે લીધેલ અને ત્‍યારે સીકયુરીટી પટે ચાર ચેક આપેલ હતા. આમ કુલ રૂ.5.50 લાખની રકમનું દર મહિને રૂ.27,500 વ્‍યાજ નિયમિત ચુકવતો હતો. 


આટલી મોટી રકમનું અઢી વર્ષ સુઘી વ્યાજ ચુકવતો હોવાથી કમલેશ આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયો હતો. એવા સમયે નાણા આપનાર રોહીત ગોહેલ તેની દુકાને આવી વ્યાજના પૈસા આપવા પઠાણી ઉઘરાણી કરી ઘાકઘમકી આપી સીકયુરીટીમાં આપેલ મકાનની ફાઇલનો દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. 


ગત તા.28/4/2022 ના રોજ રોહીતે રસ્‍તામાં કમલેશને રોકાવી વ્યાજના પૈસાની ઉઘરાણી કરેલ ત્‍યારે કમલેશ ગોવિંદભાઇ ચૌહાણે કહ્યું કે 5.50 લાખની સામે રૂ.12 લાખ ચુકવી આપેલ હોય હવે કંઇ પૈસા દેવાના થતા નથી જેથી  મકાનની ફાઇલ તથા ચેકો પરત આપી દો.  ઉશ્‍કેરાઇ ગયેલા રોહીતે  આઠ મહિનાનું વ્યાજ તથા મુદલની રકમ માંગણી કરી દરીયામાં નાખી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.


પીડીત યુવાને  પઠાણી ઉઘરાણીથી કંટાળી જઇ એએસપી ઓમપ્રકાશ જાટ સમક્ષ સમગ્ર હકકીત વર્ણવી મદદ માંગતા જે સાંભળીને ચોકી ગયેલ. એએસપીએ ત્‍વરીત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જેને લઇ કમલેશ ચૌહાણની ફરીયાદના આઘારે પોલીસે રોહીત પ્રભુદાસ ગોહેલ સામે આઇપીસી કલમ 504, 506(2) તથા ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42 હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ મુસારે હાથ ધરેલ છે.


વેરાવળ-સોમનાથ શહેરમાં અભણ અને અશિક્ષ‍િત અનેક લોકો ઉંચુ વ્‍યાજ વસુલતા વ્‍યાજખોરોના ભોગ બન્‍યા છે પરંતુ કાયદાની પુરતી જાણકારીના અભાવે વ્‍યાજખોરોની ઘમકીઓથી ડરી પીડીત બનેલા લોકો પોલીસ તંત્ર સુધી  પહોંચતા નથી. ત્‍યારે  એઅસપીએ અપીલ કરી છે કે, શહેર કે જિલ્લામાં કોઇપણ લોકોને વ્‍યાજખોરો ખોટી રીતે ઉંચુ વ્‍યાજ વસુલવા ત્રાસ કે ઘાક-ઘમકી આપતા હોય તો લોકોએ નિ:સંકોચ મારો અથવા સ્‍થાનીક પોલીસ અઘિકારીનો સંપર્ક કરે. પોલીસ વ્‍યાજખોરો સામે કડક કાર્યવાહી કરી ન્‍યાય અપાવશે.