દિવાળીના તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. રાજ્યભરમાં 41 લાખનો ભેળસેળયુક્ત- શંકાસ્પદ ખાદ્ય પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં અલગ- અલગ 13 સ્થળે દરોડો પાડી શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જપ્ત કરાયો હતો. 2 હજાર 861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો હતો. 3થી 11 ઓક્ટોબર દરમિયાન ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે વિશેષ ઝૂંબેશ ચલાવી હતી.

Continues below advertisement

આ ઝૂંબેશ દરમિયાન કુલ 8684 કિલો જપ્ત કરવામાં આવેલા જથ્થામાંથી 2861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોને દિવાળીના તહેવારમાં આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ 13 જેટલા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે 41 લાખ રૂપિયાના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોને જપ્ત-નાશ કરવામાં આવ્યા હતા.

રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે દિવાળીના તહેવાર પૂર્વે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા અને ગ્રાહકોની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવાના હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક રાજ્યવ્યાપી ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. રાજ્યમાં 03 થી 11 ઓકટોબર, 2025 દરમિયાન આયોજિત આ વિશેષ ઝૂંબેશમાં સમગ્ર રાજ્યમાંથી ઘી, દૂધ-દૂધ ઉત્પાદનો, તેલ, મીઠાઈ અને બેકરી આઈટમ સહિતના કુલ 2799 ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી 1114 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઝૂંબેશમાં ઘીના 385 નમૂનાઓ, 431 જેટલા દૂધ અને તેની બનાવટોના નમૂનાઓ તેમજ 298 તેલ, મીઠાઈ અને બેકરી આઇટમના નમૂનાઓનો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

Continues below advertisement

આ રાજ્યવ્યાપી ઝૂંબેશ દરમિયાન કુલ 34,49,362નો 8684 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 26.22 લાખ રૂપિયાથી વધુ કિંમતનું 4507 કિલો ઘી,  7 લાખ રૂપિયાની કિંમતનું 3411 કિલો દૂધ અને દૂધની બનાવટો, 90 હજાર રૂપિયાથી વધુના 568 કિલો ખોયા તેમજ 36 હજાર રૂપિયાથી વધુનું 198 કિલો કેસીનનો સમાવેશ થાય છે. આ જપ્ત કરવામાં આવેલા જથ્થા પૈકી 6.48 લાખ રૂપિયાથી વધુનો 2861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. 

વધુમાં, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ઝુંબેશ હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે. જે અંતર્ગત ફિલ્ડ ઓફિસરો દ્વારા સતત ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે