રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે.  રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 01-07- 2022થી 4 ટકા અને તારીખ 01-01-2023થી 4 ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. 


ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023 ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે.  આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. 


મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના  પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ 01-07-2022 તથા તારીખ 01-01-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.


તદઅનુસાર  તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4, 516  કરોડનું નાણાકીય ભારણ વધશે.