Unlock4: રાજ્યમાં હવેથી હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જાણો વધુ વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Sep 2020 08:56 PM (IST)
કેંદ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન બાદ આજે રાજ્ય સરકાર દ્વારા પણ અનલોક-4ને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગાંધીનગર: કેંદ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન બાદ આજે રાજ્ય સરકાર દ્વારા પણ અનલોક-4ને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં સૌથી મોટી રાહત સરકારે દુકાનદારોને આપી છે. હવેથી રાજ્યમાં દુકાનદારો સમયની પાબંદી વિના દુકાનો ખુલ્લી રાખી શકશે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 21 તારીખથી 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માર્ગદર્શન લેવા શાળાએ જઈ શકશે. સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ 21 તારીખથી શરુ થશે. સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃતિઓ 100 લોકો સાથે 21 સપ્ટેમ્બરથી શરુ થશે. ઓપન એર થિયેટર 21 તારીખથી શરુ થશે. પબ્લિક પાર્ક અને બગીચાઓ પણ ખુલ્લા મુકાશે. લાયબ્રેરી 60 ટકા કેપેસિટી સાથે કાર્યરત રાખી શકાશે.