Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડીએનએ મેચ થયા બાદ મૃતદેહો તેમના પરિજનોને સોંપવામાં આવી રહ્યા છે.   વિસનગરના દિનેશ પટેલ અને ક્રિષ્નાબેન પટેલનો મૃતદેહ પણ તેમના પરિજનો લઈ ગયા હતા.  વિસનગરમાં પોલીસ બંદોબસ્ત સાથે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. નોંધનીય છે કે, વિસનગરના પાંચ લોકો 12મી જૂને સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.  અમદાવાદ પ્લેન ક્રેશ મામલે વિસનગરના 5 પૈકી ચાર મૃતકોના પાર્થિવ દેહને વહીવટી તંત્રના  સહયોગથી વિસનગર લાવવામાં આવ્યા હતા.  પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

વિસનગરના 5 પ્રવાસીઓના  મૃત્યુ થયા હતા

અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશમાં વિસનગરના 5 પ્રવાસીઓના  મૃત્યુ થયા હતા.  આજે  મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસનગરથી એમ્બ્યુલન્સ મોકલી સદગતના પાર્થિવ દેહને વિસનગર ખાતે  લાવવામાં આવ્યા હતા.

વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે વિસનગરના મૃતકો પૈકી 1 દિનેશભાઇ પટેલ, 2  ક્રિષ્નાબેન પટેલ, 3 દશરથભાઇ પટેલ, 4 ડાહી ગૌરી પટેલના મૃતદેહ લાવવામાં આવ્યા છે.  વિસનગરથી એમ્બ્યુલન્સ વાહનની વ્યવસ્થા કરી અમદાવાદ ખાતેથી  સદગતના પાર્થિવ દેહને વિસનગર પરિવારને સોંપવામાં આવ્યા છે. 

સ્વ. દિનેશભાઈ પટેલ અને સ્વ.ક્રિષ્નાબેન પટેલ લંડન ખાતે રહેતા તેમના દીકરા પાસે જવા માટે નીકળ્યા હતા.  આજે વહેલી સવારે  મૃતકના પાર્થિવ દેહ મળતા વિસનગર ખાતે પરિવાર ઉપરાત ઉપસ્થિત વિસનગરના નાગરિકોમાં કરુણાંતિકા સર્જાઈ હતી.  વિસનગર સ્થિત સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે સદગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  

DNA સેમ્પલ મેચ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે 

અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે.  વિસનગરના એક જ ગામના દિનેશ પટેલ, ક્રિષ્નાબેન પટેલ, દશરથ પટેલ, ડાહીબેન પટેલના મૃતદેહ સોંપાયા છે. વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો પણ મૃતદેહ પરિવારને સોંપાયો હતો. અમદાવાદના સુભાષચંદ્ર અમીનના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. DNA સેમ્પલ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી થઇ રહી છે. 

DNA દ્વારા પુષ્ટિ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બપોરે 1.30 વાગ્યાની આસાપાસ અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન મેઘાણીનગરમાં બીજે મેડિકલની મેસ પર ધડાકાભેર અથડાયું હતું. જેમાં સવાર 242 પેસેન્જરમાંથી 241 લોકોના મોત થયા હતા, માત્ર એક વ્યક્તિનો જીવ  બચ્યો હતો. આ દુર્ઘટનામાં વડોદરા શહેરના 23 પેસેન્જરના મોત થયા છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડીએનએ દ્વારા પુષ્ટિ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે.