અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.  આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર  આગામી બે દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે.


ખાસ કરીને વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં સારા વરસાદ છતાં હજુ વરસાદની 18 ટકા ઘટ છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વડોદરા અને પંચમહાલના હાલોલમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. 


અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ઘાટલોડિયા, રાણીપ, નવા વાડજ, સોલા, થલતેજ, ભૂયંગદેવ, પકવાન, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પૂર્વના ગીતામંદિર, ઓઢવ, રખિયાલ, સોનીની ચાલી, નરોડા, નારોલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. થોડીવાર વરસેલા વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.


બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે મંગળવાર સુધી ઓરેંજ અલર્ટ જાહેર કર્યું હતું.


બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે  21 તારીખ સુધી એટલે કે, આગામી 2દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.


અમદાવાદમાં પણ વિરામ બાદ ફરી મેધરાજાની  શહેરમાં પધરામણી થઇ છે. આજે બોપલ, ઘુમા,શેહરના સેટેલાઈટ, જોધપુર , પ્રહલાદનગરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાં હતા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.