ગાંધીનગર: રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસશે. તેમાં પણ કચ્છ, બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ પાટણ, મહેસાણા,ગાંધીનગર, અરવલ્લી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ,બોટાદમાં ભારે વરસાદ વરસશે.
અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ વરસાદની આગાહી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે. રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. બિલિયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોના સીમ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ
બનાસકાંઠાના પાલનપુર પંથકના કેટલાક ગામોમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો 37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ સારો વરસાદ પડે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. જેના કારણે જળાશયો ભરાય અને ઉનાળામાં કે શિયાળામાં સિંચાઈના પાણી માટે વલખા ન મારવા પડે. બનાસકાંઠામાં સિઝનનો અત્યાર સુધી 37 ટકા જ વરસાદ વરસ્યો છે. જેમાં અમીરગઢ તાલુકામાં 37.69 ટકા, ભાભરમાં 48.16 ટકા, દાંતામાં 45.61 ટકા, દાંતીવાડામાં 40.39 ટકા, ડિસામાં 40.13 ટકા, દિયોદરમાં 58.17 ટકા, ધાનેરામા માત્ર 12.68 ટકા વરસાદ વરસ્યો છે. કાંકરેજમાં 35.56 ટકા, લાખણીમાં 18.55 ટકા, પાલનપુરમાં 34.48 ટકા, પાલનપુરમાં 34.48 ટકા સુઈગામમાં 53.79 ટકા, થરાદમાં 29.36 ટકા, વડગામમાં 47.70 ટકા, વાવમાં 25.97 ટકા વરસાદ વરસ્યો છે.